ગરબાડાના નળવાઈ ગામે કાળમુખા વૃક્ષે લીધો જીવ: બાઈક પરથી પસાર થતા 45 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના નળવાઈ ગામે કાળમુખા વૃક્ષે લીધો જીવ: બાઈક પરથી પસાર થતા 45 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત

દાહોદ તા. ૮

ગરબાડા તાલુકાના નળવાઈ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાઈક પર પસાર થઈ રહેલા બે યુવકો પર અચાનક માર્ગની બાજુમાં આવેલું વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, ભીલવા ગામના રહેવાસી બે યુવકો બાઈક પર સવાર થઈને નળવાઈ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કુદરતનો કહેર ત્રાટક્યો હોય તેમ અચાનક માર્ગની બાજુમાં આવેલું એક મોટું વૃક્ષ બાઈક પર પડ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલકને સંભાળવાનો મોકો પણ મળ્યો નહોતો.

અકસ્માતમાં ભીલવા ગામના 45 વર્ષીય રસુલ પાંગળા વાખડાનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા પરિવારજનો અને ગ્રામજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. 

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિ જે ઇજાગ્રસ્ત થયા છે, તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share This Article