રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા: મીનાક્યાર બોર્ડર પર પોલીસની મોકડ્રીલ; આગામી ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ
દાહોદ તા. ૭
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પોલીસ દળ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બને તેવા હેતુથી ગરબાડા પોલીસ દ્વારા મીનાક્યાર બોર્ડર પર એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલનું આયોજન DYSP એમ.કે. સ્વામી તેમજ PI એસ.એમ. રાદડિયાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા પોલીસ મથકના મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને જવાનો જોડાયા હતા. અધિકારીઓ દ્વારા જવાનોને ફિલ્ડ પર આવતી મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આધુનિક શસ્ત્રો અને સાધનોનો ઉપયોગ
મોકડ્રીલ દરમિયાન પોલીસ કર્મીઓને ભીડ પર કાબૂ મેળવવા માટે વપરાતા વિવિધ આધુનિક સાધનોની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે: ટીયર ગેસ , સ્મોક સેલ , હેન્ડ ગ્રેનેડ, ગેસ ગન ની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય અને મતદાન મથકો કે જાહેર સ્થળોએ જો ભીડ બેકાબૂ બને, તો તેને શાંતિપૂર્ણ રીતે કઈ રીતે વિખેરવી તે અંગે ખાસ વ્યૂહરચના સમજાવવામાં આવી હતી.
