સંજેલી મામલતદારે ઓવરલોડ રેતી ભરેલી બે ગાડીઓ પકડતા મળી ધમકી
સંજેલીની રેતીની ગાડીઓ હવે કેવી રીતે ઓવરલોડ ચાલશે એ હું જોઈશ : ટ્રક ડ્રાઈવરની મામલતદારને ચેલેન્જ.!
બહારની ગાડીઓ પકડાય છે અને સ્થાનિક ગાડીઓ માટે ઘી કેળા જેવા માહોલનો આક્ષેપ
દાહોદ તા.૧૭

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તરફથી રાજસ્થાન લઈ જવાતી ઓવરલોડ રેતી ભરેલી બે ડમ્પર ગાડીઓ પકડી સંજેલી મામલતદારે કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવાની જે વિભાગની જવાબદારી છે તે વિભાગની ફરજ પ્રત્યેની ” બેદરકારીને કારણે તેમજ કેટલાક રાજકીય મોટા માથાઓની મિલી ભગતને કારણે દાહોદ જિલ્લામાંથી મોટા પાયે ખનીજ માફીયાઓ રેતીનું ગેરકાયદે ખનન કરી ડમ્ફરમાં ઓવરલોડ ભરી બિન્દાસ રીતે પડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં ઠાલવી તગડો વેપલો રળી રહ્યા છે. તેવા સમયે સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમય ગાળામાં ઓવરલોડ રેતી ભરેલા વાહનોને રોકવા મામલતદારની ટીમ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી આ વોચ દરમિયાન સંજેલી-માંડલી મુખ્ય માર્ગ પર બે ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ગાડીઓ પકડી પાડવામાં આવી હતી. અને ત્યારબાદ મામલતદાર દ્વારા વાહન માલિકોને ફોન કરીને માહિતી માંગવામાં આવી હતી અને બંને ગાડીઓને પોલીસને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન વાહન ડ્રાઈવરે જાહેર રસ્તા પર ગાડી લોક કરી દેતા થોડા સમય ચાલ માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદ મામલતદાર ની ટીમે તાબડતોબ મિકેનિકને બોલાવી વાહન ચાલુ કરાવી વજન કાંટે લઈ જઈ વજન કરતાં રોયલ્ટી કરતાં વધુ વજન હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરે મામલતદારને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, સંજેલીની રેતીની ગાડીઓ હવે કેવી રીતે ઓવરલોડ ચાલશે એ હું જોઈશ. બહારની ગાડીઓ પકડાય છે અને સ્થાનિક ગાડીઓ માટે ઘી-કેળા જેવો માહોલ છે. આ નિવેદન બાદ મામલતદાર પણ ચોંકી ઉઠ્યા હતા. મામલતદાર એ વાહનના કાગળો ચેક કરતા તપાસ દરમિયાન ડ્રાઈવર પાસે આરસી બુક, લાયસન્સ, વીમા સહિત કોઈપણ પ્રકારના જરૂરી દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું. પરિણામેબંને ઓવરલોડ ગાડીઓ પકડી પાડી બંને ગાડીઓને મામલતદાર કચેરી ખાતે ખસેડકાયદેસરને કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ સંજેલી મામલતદાર કચેરી દ્વારા અનેક ઓવરલોડ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પરંતુ વાહનો સામે કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી. હાલ મામલતદારની ટીમ દ્વારા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. પરંતુ વજન માપણી બાદ આગળની કાર્યવાહી કોણ અને કેવી રીતે કરશે? તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ હાલ તો સંજેલી મામલતદારે બે ગાડીઓ પકડીને સંતોષ જરૂર માણ્યો છે.
