રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાના નવનિર્મિત લીમડી તાલુકાના કારઠ ખાતે ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*
*જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા*
*આદિવાસી સમુદાયને રાજયની વિકાસધારામાં જોડવામાં જનજાતિય ગૌરવયાત્રા અને પીએમ જનમન અભિયાન કારગત નીવડ્યા-પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા*
*પ્રભારી મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા*
*લીમડી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક તેમજ કારઠ ગામના વિકાસ અર્થે રુ. ૨ લાખનો ચેક અર્પણ કરાયો*
દાહોદ તા. ૨૬
૨૬મી જાન્યુ. ૭૭મા પ્રજાસત્તાક પર્વની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી લીમડી તાલુકાના કારઠ મુકામે પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત જિલ્લા કલેકટરશ્રી, તેમજ પોલીસ અધિક્ષકશ્રી એ પોલીસ પરેડનું નિરીક્ષણ અને ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે લીમડી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક તેમજ કારઠ ગામના વિકાસ અર્થે રુ. ૨ લાખનો ચેક અર્પણ કરાયો હતો.

આ દરમિયાન લીમડી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એ સાથે કારઠ ગામના વિકાસાર્થે રૂપિયા ૨ લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા નામી-અનામી વીરલાઓએ રાષ્ટ્રની આઝાદી, સાર્વભૌમત્વ અને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાંખ્યો હતો.

પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓના બેંક ખાતામાં સીધા જમા કર્યા છે. એ જ પ્રમાણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં દીકરીઓનો અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓના ખાતામાં રૂપિયા સીધા જમા કર્યા છે.
આદિજાતિ વિસ્તારમાં યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ માટે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત અનેક ગામોનો સમાવેશ કરી ગ્રામ્ય કક્ષાએ આદિ સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના આદિવાસી સમુદાય-આદિમ જૂથોને રાજયની વિકાસધારામાં જોડવામાં જનજાતિય ગૌરવયાત્રા અને પીએમ જનમન અભિયાન કારગત નીવડયા છે. અનેકો લાભાર્થીઓએ PMJAY અંતર્ગતની પ્રાઇવેટ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવારનો લાભ મેળવ્યો છે.

આ અવસરે વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવાઓ આપનાર કર્મયોગીઓની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યાં હતા. આ વેળાએ પોલીસ બેન્ડની સુરાવલિઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડને સૌએ નિહાળી હતી. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની રાષ્ટ્રભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓઓએ સૌના મન મોહી લીધા હતા. વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષકશ્રી રવિરાજ સિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, જિ. પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, ગરબાડા ધારાસભ્યશ્રી, લીમખેડા ધારાસભ્યશ્રી, ઝાલોદ ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, તા.વિકાસ અધિકારી, સરપંચ, જિ. પં. અને તા.પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
