રાજેશ વસાવે :- દાહોદ
*ગુજરાત રાજ્યનું ગૌરવ બની દાહોદની એક માત્ર દીકરી જેણે નેશનલ યુથ આઇકોન તરીકે બિરુદ મેળવ્યું*
*વિકસિત ભારત અંતર્ગત પાર્લામેન્ટમાં ટોપ ૨૦ માં સ્થાન પામનાર રાજવી કડિયા*
*રાજ્ય સ્તરે દાહોદ જિલ્લાનું ૪૮ તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું ૧૮ વખત પ્રતિનિધિત્વ કર્યુ*
*વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા સાથે વિકસિત ભારત@૨૦૪૭ ને સફળ બનાવવા સતત પ્રયત્નો કરવા એ મારો ઉદ્દેશ-રાજવી કડિયા*
*આજના યુવાઓની પ્રેરણા એટલે રાજવી કડિયા*
દાહોદ તા. ૨૫
ગુજરાત રાજ્યના પૂર્વ પ્રવેશદ્વાર પર આવેલ નાનકડો આદિવાસી જિલ્લો જેમાં ભાત-ભાતની પરંપરાઓ અને સંસ્કૃતિ વસેલી છે. દાહોદ જિલ્લાના દાહોદ શહેરમાં આવેલ કડિયાવાડ ખાતે રહેતી ફક્ત ૨૨ વર્ષીય આ દીકરીએ કેટલીયે ઊંચાઈઓ હાંસલ કરી છે. પિતા શ્રી કૃષ્ણ સ્વીટ્સમાં નોકરી કરે છે, તો માતા રસોઈ કામગીરી કરી રહ્યા છે. એમની એકમાત્ર દીકરી એટલે આપણી રાજવી.
હા, વાત બિલકુલ સાચી છે. ઇતિહાસ અને રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતક કરતી આપણી રાજવીએ દાહોદ માં જ઼ ધોરણ ૧ થી ૫ આર. પી. અગ્રવાલ, ધોરણ ૬ થી ૮ હસુબેન ગર્લ્સ પ્રા. શાળા તેમજ બાકીનો અભ્યાસ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ અને એમ. વાય. હાઈસ્કૂલ ખાતે કર્યો હતો. શાળા જીવન દરમ્યાન જ વિવિધ પ્રવૃતિઓ તેમજ સ્પર્ધાઓમાં સતત સક્રિય રહીને તેણે પોતાને સતત વ્યસ્ત રાખીને વિજેતા થવાનો ક્રમ જાળવી રાખ્યો હતો.
રાજવી એ ગુજરાત રાજ્યનું ગૌરવ બની. દાહોદની એક માત્ર દીકરી જેણે નેશનલ યુથ આઇકોન તરીકે બિરુદ મેળવ્યું. અત્યાર સુધીમાં યુવા નેતૃત્વ, વક્તૃત્વ, સામાજિક પ્રભાવ અને સમુદાય વિકાસ ક્ષેત્રે ૫૦૦ થી પણ વધુ પુરસ્કારો તથા સન્માન પ્રાપ્ત કર્યા છે. એથી વિશેષ એ કે, ગ્રામ્ય થી લઈને શહેરી વિસ્તારોમાં, શાળા-કોલેજોમાં ૬૫૦ થી વધુ વક્તવ્ય અને સેશન આપ્યા છે. ગ્રામ્ય શાળાઓ અને કોલેજોમા જાગૃતિ કાર્યક્રમો, માર્ગદર્શન સેશન, સેમિનાર, તથા સંચાલન કર્યું છે.
રાજ્ય સ્તરે દાહોદ જિલ્લાનું ૪૮ તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું ૧૮ વખત પ્રતિનિધિત્વ કર્યુ છે. એ ઓછું હોય તેમ આંતર રાષ્ટ્રીય સ્તરે તેમજ સંયુક્ત રાષ્ટ્ર્ર સાથે જોડાઈને વૈશ્વિક મુદ્દાઓ પર બેઠકો અને ચર્ચાઓ માં સક્રિય રહી છે. બ્રિક્સ શિખર સંમેલનમાં ઓનલાઇન માધ્યમ થકી ભાગ લીધો હતો.
વર્ષ ૨૦૨૨ માં રાજ્ય સ્તરીય વક્તૃત્વ સ્પર્ધામાં, ભાષા સંગમમાં વિજેતા થવા ઉપરાંત વર્ષ ૨૦૨૩ માં રાજ્ય વિજેતા અને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી હતી. જેની વાત કરીએ તો, રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સમાં રાજ્ય વિજેતા તરીકે, ભારતીય સંસદ ભવન, દિલ્હી ખાતે સંસદીય વક્તા તરીકે પ્રતિનિધિત્વ કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણીએ આજે સુધી રાજ્ય સ્તરે દાહોદ જિલ્લાનું ૪૮ તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું ૧૮ વખત પ્રતિનિધિત્વ કર્યુ.
વર્ષ ૨૦૨૩ માં યોજાયેલ પરીક્ષા પે ચર્ચા માં વિચારો અને યોગદાન બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસંશા પ્રાપ્ત થઇ હતી. યુવા મહોત્સવમાં વિજેતા, જયપુર ખાતે યોજાયેલ ભારતીય યુવા સંસદમાં પ્રતિનિધિ તરીકે, વર્ષ ૨૦૨૪ દરમ્યાન ગુજરાત યુવા સંસદમાં યુવા સાંસદ તરીકે પસંદગી થવા સાથે નાસિક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લીધો હતો. દક્ષિણ કોરિયા થકી બોધગયા ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય સતી વર્કશોપમાં ભાગ લીધો.
ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલાય તેમજ એલિકસીર ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત ઇમ્પેક્ટ વિથ યુથ કોંકલેવમાં પણ ભાગ લીધો હતો. હા, વર્ષ ૨૦૨૫ માં રાજવીને એક રાષ્ટ્રીય ઓળખ મળી. જેના કારણે દાહોદનું ગૌરવ ઔર વધી જાય છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવી હતી. સાથે દિલ્હી ખાતે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગમાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં મંચ સંચાલિકા તરીકે ભારતના ૨૦ સર્વોચ્ચ વક્તાઓમાં પસંદગી થવા સાથે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રાષ્ટ્રીય યુવા આઇકોન તરીકે ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ કોલેજો-યુનિવર્સીટીમાં યુવા કનેક્ટ પ્રોગ્રામ પણ કર્યા હતા. રાષ્ટ્રીય પદયાત્રા જે કરમસદ થી કેવડિયા સુધીની હતી એમાં સ્થાયી પદયાત્રી તરીકે થવા સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગવર્નર, યુવામંત્રીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ભારતની પ્રથમ યુવા લીડરશીપ વૈશ્વિક પરિષદ soul conclave માં ભારતીય પ્રતિનિધિ તરીકે ભારત મંડપમ દિલ્હી ખાતે ભાગ લીધો હતો. ઓડિશા ખાતે યોજાયેલ અખિલ ભારતીય મહિલા વિદ્યાર્થી સંસદમાં પ્રથમ ઉપવિજેતા થઇ સન્માન પ્રાપ્ત કર્યું. હરિયાણા ખાતે યોજાયેલ ઇન્ટર સ્ટેટ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ દરમ્યાન ભાષણ દ્વારા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
વર્ષ ૨૦૨૬ માં રાજ્ય ચેમ્પિયન અને યુવા નેતૃત્વ નું શિખર બનેલ રાજવીની વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ, દિલ્હી માં રાષ્ટ્રીય યુવા આઇકોન,પાથ બ્રેકર, રાજ્ય ચેમ્પિયન તરીકે પસંદગી થઈ. રાજવી કહે છે કે, મારી આ યાત્રા સતત અને સખત મહેનત, શિસ્ત, નેતૃત્વ અને સમાજ માટેની પ્રતિબદ્ધતા થઈ ઘડાઈ છે. વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા સાથે વિકસિત ભારત@૨૦૪૭ ને સફળ બનાવવા સતત પ્રયત્નો કરવા એ મારો ઉદ્દેશ છે.
