ગરબાડા ચોકડી પાસે ચાઈનીઝ દોરાથી વેપારીને ગંભીર ઈજા : બચાવના પ્રયાસમાં દોરો કપાળમાં ફસાયો, 15થી વધુ ટાંકા આવ્યા

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા ચોકડી પાસે ચાઈનીઝ દોરાથી વેપારીને ગંભીર ઈજા : બચાવના પ્રયાસમાં દોરો કપાળમાં ફસાયો, 15થી વધુ ટાંકા આવ્યા

દાહોદ તા.૨૫

દાહોદના ગરબાડા ચોકડી પાસે ચાઈનીઝ દોરાથી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર જઈ રહેલા 53 વર્ષીય વેપારી મુર્તુજા ફિરોજભાઈ બોરકીને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને 15થી વધુ ટાંકા આવ્યા છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

આ ઘટના દાહોદ શહેરના ગરબાડા બ્રિજ પર બની હતી. હુસેની મસ્જિદ નજીકના નજમી મોહલ્લામાં રહેતા મુર્તુજા ફિરોજભાઈ બોરકી (ઉં.વ. 53) પોતાની દુકાને સાંગાં માર્કેટ જઈ રહ્યા હતા. બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક તેમની સામે ચાઈનીઝ દોરો આવી ગયો હતો. દોરો સીધો ગળા તરફ આવતા તેમણે તરત જ હાથ ઊંચો કરી બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ચાઈનીઝ દોરાની તીક્ષ્ણ ધાર અને મજબૂત પકડને કારણે તે હાથમાંથી છટકીને સીધો કપાળના ભાગે ફસાઈ ગયો હતો. આના પરિણામે મુર્તુજાભાઈના કપાળમાં ઊંડો કટ લાગ્યો અને ભારે રક્તસ્રાવ થયો. તેમને કપાળમાં 15થી વધુ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ વેપારી બાઈક પરથી રોડ પર પડી ગયા હતા. ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થયું હતું અને તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાની ગંભીરતાને કારણે તેમને વધુ સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. ચાઈનીઝ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે નાગરિકોના જીવન માટે જોખમી બની રહી છે. શહેરના જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને ચાઈનીઝ દોરાના વેચાણ અને ઉપયોગ પર કડક નિયંત્રણ લાદવા તથા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Share This Article