રાજેશ વસાવે :- દાહોદ
ઓનલાઈન જુગારની માયાજાળમાં ફસાતી યુવાપેઢી:દાહોદમાં બે ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા.!
સાયબર ક્રાઇમ વધ્યું,પરિવાર, ભવિષ્ય અને સંસ્કાર બરબાદીની કગાર પર
દાહોદ તા 24
ભારતમાં 4G અને 5G નેટવર્ક શરૂ થતાં ડિજિટલ ક્રાંતિએ જીવનને સરળ બનાવ્યું છે. ઈન્ટરનેટ આજે ઘર બેઠા એક ક્લિકમાં માહિતી મેળવવાનું શ્રેષ્ઠ સાધન બન્યું છે.પરંતુ ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે તેનો દુરુપયોગ પણ ગંભીર રીતે વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને સાયબર ક્રાઇમ અને ઓનલાઈન જુગાર ગેમ્સના કારણે સમાજમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે.ઓનલાઈન જુગારની લત આજે માત્ર આર્થિક નુકસાન પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે ઘર, પરિવાર, ભવિષ્ય અને યુવા પેઢીને સંપૂર્ણ રીતે બરબાદ કરી રહી છે. ખાસ કરીને 12થી 25 વર્ષની વયના ટીનેજર્સ અને યુવાધન ભણતરના નામે મોબાઈલમાં કલાકો સુધી ઓનલાઈન ગેમ્સમાં વ્યસ્ત રહી, “ઘર બેઠા પૈસા કમાવા” અને “શોર્ટકટથી અમીર બનવા”ની લાલચમાં જુગારની માયાજાળમાં ફસાઈ રહ્યા છે
દાહોદ જિલ્લામાં ઓનલાઈન જુગારની લતના બે ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે.
પ્રથમ કિસ્સામાં, એક યુવાન ઓનલાઈન જુગાર રમવાની લતમાં ચડ્યો હતો. શરૂઆતમાં જીત મળતા તેની લાલચ વધતી ગઈ, પરંતુ બાદમાં હાર શરૂ થતાં “હાર્યો જુગારી બમણો રમે” કહેવત મુજબ હારેલી રકમ પરત મેળવવાના ચક્કરમાં તે ભાન ભૂલી બેઠો. દાદાના અતિ લાડકા પૌત્રને વિશ્વાસના કારણે દાદાએ પોતાની બેન્ક વિગતો આપી હતી. આ વિશ્વાસનો દુરુપયોગ કરીને યુવાને દાદાએ નોકરી દરમિયાન જીવનભર ભેગી કરેલી ₹60 લાખની પીએફ રકમ ઓનલાઈન જુગારમાં ફૂંકી નાંખી. નિવૃત્તિ બાદ વૃદ્ધાવસ્થાનો સહારો ગણાતી પીએફ રકમ ગુમાવતા પરિવાર બરબાદીની કગાર પર આવી
ગયો.
બીજા કિસ્સામાં, દાહોદના એક પરિવારની દીકરીએ લવ મેરેજ કર્યા બાદ પરિવારથી અલગ રહેવું પડ્યું હતું. 25 વર્ષ બાદ પિતાને કેન્સર થતાં સંબંધો સુધર્યા. દીકરીનો દીકરો UPSC–GPSCની તૈયારી કરતો હોવાના કારણે સબંધીએ તેના કેરિયર માટે નાણાકીય મદદ કરી. પરંતુ ભણતરના નામે મોબાઈલનો અતિશય ઉપયોગ કરતો આ યુવાન ઓનલાઈન જુગારની લતમાં ફસાઈ ગયો.શરૂઆતમાં ઘરમાંથી ચોરી, બાદમાં સગાના ઘરે સોનાના ઘરેણાં અને રોકડ મળી કુલ ₹3 લાખની ચોરી, અને અંતે નોકરીના સ્થળે પણ ચોરી સુધી વાત પહોંચી. જુગાર માટે મોબાઈલ ચોરી કરીને વેચવાની ઘટનાઓ સામે આવવા લાગી.આખરે ભાંડો ફૂટતાં પોલીસ તપાસમાં તમામ ગુનાઓનો ખુલાસો થયો. પરિણામે 20 વર્ષ બાદ જોડાયેલા પરિવારિક સંબંધો ફરી એકવાર તૂટીને વિખેરાઈ ગયા.
આ સમગ્ર મામલે DYSP જગદીશ ભંડારીએ ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે,“જો તમારો દીકરો કે દીકરી સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોય, કોઈ બાબતો છુપાવતો હોય, વર્તનમાં અચાનક ફેરફાર જણાતો હોય તો માતા-પિતાએ તરત સાવધાન થવું જોઈએ. ટીનેજર્સ અને યુવાઓને માત્ર પ્રેમ નહીં પરંતુ સાચા માર્ગદર્શન અને સમયસર દેખરેખની પણ જરૂર છે.”
ઓનલાઈન જુગાર એક એવી લત છે જે શાંતિથી ઘરમાં ઘૂસી પરિવારને અંદરથી ખોખલું કરી દે છે. આજે જરૂર છે કે માતા-પિતા, શિક્ષકો અને સમાજ મળીને યુવાધનને સમયસર સમજાવે, માર્ગદર્શન આપે અને મોબાઈલ તથા ઈન્ટરનેટનો સકારાત્મક ઉપયોગ શીખવે.
નહીંતર “ડિજિટલ સુવિધા” ક્યારે “ડિજિટલ વિનાશ” બની જશે, તેનો અંદાજ પણ નહીં રહે.
