રાજેશ વસાવે :- દાહોદ
સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનારાઓ સામે તવાઈ..
દાહોદ નગરપાલિકાએ 500 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો..
અગાઉ પણ નગરપાલિકા એ આઠ ટન પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી હતી.
પર્યાવરણને નુકસાન પહોંચાડનાર તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં આડખીલી બનતા અવરોધો દૂર કરાશે.
દાહોદ તા.૨૨

દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાંથી મોટા પ્રમાણમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ૫૦૦ કિલોગ્રામનો જથ્થો ઝડપી પાડતાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વેપાર કરતાં વેપારીઓમાં એકપ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ નગરપાલિકાની ટીમને મળેલ માહિતી અનુસાર, દાહોદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી નાના-મોટા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવતું હતું અને જેમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વેપાર કરતાં વેપારીઓ સામે કાર્યવાહી પણ કરતી હતી ત્યારે પાલિકાની મુખ્ય તપાસ ટીમને માલુમ પડ્યું હતું કે, દાહોદ શહેરમાં મોટાપ્રમાણમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વેપાર દાહોદ શહેરમાં મોટા માથાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેઓ દ્વારા દાહોદમાં મોટા પ્રમાણમાં સપ્લાય પણ કરવામાં આવી રહ્યો છે જે માહિતી મળતાની સાથે દાહોદ નગરપાલિકાની મુખ્ય અધિકારીની ટીમની સાથે સાથે સેનેટરી ઈન્સ્પેક્ટર જયપાલસિંહ દ્વારા દાહોદ શહેરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દાહોદ એપીએમસી ખાતેના એક વેપારીના ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે વેપારીને ત્યાંથી પાલિકાની ટીમે અધધ..૫૦૦ કિલોગ્રામનો સીંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પાલિકાના પ્રમુખ નિરજ (ગોપી) દેસાઈના જણાવ્યાં અનુસાર, નગરજનોને વિનંતી છે કે, સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી દેશો, અમારી ટીમ સરકારની ગાઈડલાઈન અનુસાર છેલ્લા ૧૫ દિવસથી આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે, નાના વેપારીઓ અને નાના ફેરીયાઓને અમે પકડવા ગયાં ત્યારે અમોને ખબર પડી કે, મોટા માથાઓ ચોક્કસ મોટા વેપાર કરે છે, તેમના થકીજ આ સપ્લાય આવે છે, જે અનુસંધાને સરકારની ગાઈડલાઈન અનુસાર, પાલિકાની અમારી ટીમ દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યે રેડ કરવામાં આવી હતી અને જેમાં ૫૦૦ કિલોગ્રામ સીંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમારી મોટી કાર્યવાહી આવા સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વેપાર કરતાં મોટા માથાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, માટે અમારી નમ્ર વિનંતી છે કે, સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી દેજો નહીંતર અમો કડકમાં કડક કાર્યવાહી સાથે કાયદાકીય પ્રમાણે જે કંઈપણ કાર્યવાહી કરવાની રહેશે તે પણ કાર્યવાહી કરવા દાહોદ નગરપાલિકા કટીબધ્ધ છે. તેમ દાહોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વેપાર કરતાં મોટા માથાઓને ચેતવણી સ્વરૂપે નમ્ર વિનંતી કરવામાં આવી છે.
