રાહુલ ગારી :- ગરબાડા
તસ્કરોને પકડવા LCB, ફોરેન્સિક તેમજ ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ
ગરબાડાના જેસાવાડા પદ્મનાભ શિવ મંદિરમાં ચોરી,તસ્કરો ફરાર
ચાંદીની પ્રતિમાઓ તેમજ પૂજાની સામગ્રી ચોરાઈ..
દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા નગરમાં આવેલ પધ્મનાથ શિવ મંદિરને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી મંદિરમાંથી ચાંદીના ટોપા, ચાંદીના લોટા તેમજ ભવનાનને ચઢાવવામાં ચાંદીના આભુષણોની તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદમાં હવે તસ્કરોના આતંકથી ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી. તસ્કરોએ તમામ સીમાઓ વટાવી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે ગતરોજ ગરબાડાના જેસાવાડા નગરમાં આવેલ ભગવાન પધ્મનાથ શિવ મંદિરને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું. મંદિરમાંથી અજાણ્યા ચોર ઈસમોએ ચાંદીના આર્શિવાદના ટોપા, ચાંદીના લોટા, ચતુર્ભુજ ભગવાન વિષ્ણુની પ્રતિમા પંચધાતુની, શાલિગ્રામ ભગવાનની ચાંદીની પ્રતિમા તેમજ અન્ય ચાંદીના ભગવાનના આભુષણો તેમજ અન્ય સામગ્રી મળી તસ્કરોએ અંદાજે લાખ્ખોની કિંમતના ચાંદીની સામગ્રી મંદિરમાંથી ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ ગયાં હતાં. વહેલી સવારે મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટનાને પગલે પંથકમાં ચકચાર સાથે તસ્કરો પ્રત્યે ગ્રામજનોનો રોષ પણ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આ ચોરીની ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે ડોગ સ્કોર્ડની પણ મદદ લીધી છે. આ સંબંધે સ્થાનીક પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ધરપકડના ચક્રો ગતિમાન કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
