બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરાના કરોડીયામાં દલિતોની ગેરકાયદેસર જમીન પડાવી લેવા પોલીસ ખાતાનો કરાતો દુરુપયોગ?*
*ગેરકાયદેસર બાંધકામ કરવા પોલીસને સાથે રાખી મટીરીયલ્સ લઈને આવેલા ઈસમો સામે દલિત મહિલાઓ દ્વારા વાંધો ઉઠાવતા ત્રણ મહિલાઓને પોલીસ ઉઠાવી ગઈ*
*જમીનના દલિત મૂળ માલિક દ્વારા કલેકટર દાહોદ, ફતેપુરા પી.એસ.આઇ,ડી.વાય.એસ.પી ઝાલોદ તથા પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને રજૂઆત કરાઈ*
સુખસર,તા.19

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે દલિત સમાજના ગરીબ લોકોની જમીન પડાવી લેવા ફતેપુરા નાજ ત્રણ લોકોએ જમીન માલિકની જાણ બહાર રસ્તાની જમીનનો ખોટો વેચાણ દસ્તાવેજ ઊભો કરી દલિતોના કબજા ભોગવટા વાળી જમીન માંથી અવર-જવર બંધ કરાવી બાજુમાં આવેલ મંદિર દૂર કરવા દલિત જમીન માલિકોના વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે દલિત લોકોને રસ્તા ઉપર થી અવરજવર બંધ કરવા અને મંદિર દૂર કરે તો તેમાં અડચણ ઊભી નહીં કરવા અને અડચણ ઉભી કરાશે તો જેલમાં પૂરી દેવાની ધમકીઓ આપવાના આક્ષેપ સાથે સ્થાનિકથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે રહેતા કાંતિભાઈ કોયાભાઈ ચમારની સીમમાં રેસન 3 પૈકી 1 વાળી ખેતીની જમીન આવેલ છે.જેનો રે.સ.ન.100 છે.અને આ જમીન તેમના વારસાઈ હકની છે.અને આ જમીનમાં તેઓના મકાનો પણ આવેલા છે.તેમજ આ રહેણાંક મકાનો માંથી અવર-જવર કરવા માટે એક રસ્તો પણ આવેલ છે. ત્યારે આ જમીન ફતેપુરા બલૈયા રોડ ખાતે રહેતા જોયેબભાઈ અબ્બાસભાઈ પતરાવાળા નાઓએ મૂળ દલિત માલિકોની જાણ બહાર ફતેપુરાના બલૈયા ચોકડી ખાતે રહેતા કલ્પેશ ઉર્ફે કપિલ ભરતભાઈ નહાર તથા મોહમ્મદ સલીમ અબ્દુલ મજીદ ગુડાલાના ઓને જમીનનો ખોટો વેચાણ દસ્તાવેજ ઊભો કરી જમીન પડાવી લેવા કાવતરું રચવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ આ રસ્તાની બાજુમાં આવેલ મંદિર પણ દૂર કરવા આ ત્રણ મળતીયા લોકોએ કાંતિભાઈ ચમાર ની વિરૂધ્ધમાં અરજી આપતા સ્થળ ઉપર પોલીસ આવતા જે ખોટો વેચાણ દસ્તાવેજ બનાવેલ છે તે બતાવેલ.ત્યારે પોલીસે પણ જણાવેલ કે આ વેચાણ દસ્તાવેજની નકલ અમોને પણ આપી છે માટે હવેથી આ રસ્તાનો ઉપયોગ કરવો નહીં.અને આ રસ્તા ઉપર કપિલ નહાર તથા મોહમ્મદ ગુડાલા ફાવે તેવું બાંધકામ કરે અને રસ્તો બંધ કરે અને મંદિર દૂર કરે તો તેમાં અડચણ કરવી નહી.અને અડચણ કરશો તો બધાને જેલમાં પૂરી દઈશ તેવી ધમકીઓ આપવામાં આવેલ હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.જોકે આ જમીન વિવાદ હાલ કોર્ટમાં ચાલુ હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ 16 જાન્યુઆરી 2026 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કપિલ નહાર તથા મોહમ્મદ ગુડાલા નાઓ ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તથા લેડીઝ પોલીસ તેમજ બીજા પોલીસના માણસોને સાથે રાખી ટ્રેકટરમાં ઈંટો લઈ દાવા વાળી જમીનમાં આવેલ આર.સી.સી રસ્તામાં મકાન બનાવવા માટે ઈંટો લઈને આવેલા.અને રસ્તામાં ઇંટો ખાલી કરવામાં આવતા દલિત સમાજના લોકોએ ઈંટ ખાલી કરવાની ના પાડતા આરોપીઓ તેમજ પોલીસના ઇસમો ઉસ્કેરાઈ ગયેલા. અને હવે આ રસ્તો અને મંદિર તોડી અહીંયા મકાન બનાવવાનું છે.તમે રોકી શકો નહીં.અને જો રોકવાની કોશિશ કરશો તો તમને બધાને જેલમાં પૂરી દઈશુ તેવું સાથે આવેલ પોલીસ સ્ટાફના તથા પી.એસ.આઇ ફતેપુરા નાઓએ ધમકી આપેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે 17 જાન્યુઆરી 2026 ના રોજ સવારના સામાવાળાઓ તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનની ગાડીમાં આઠથી દસ જેટલા પોલીસ સ્ટાફના માણસો સાથે વિવાદ વાળી જમીન ઉપર આવી આ કામના આરોપીઓ રેતી સિમેન્ટ લઈ સાથે મજૂર કારીગર લઈને આવેલા.અને અમોને બધાને જેલમાં પૂરી દેવાની ધમકી આપી અમારા ઘરેથી મારા ભાઈની વહુ મંજુલાબેન મહેશભાઈ ચમાર તથા સવિતાબેન કાંતિભાઈ ચમાર રમીલાબેન નટવરભાઈ ચમારના ઓને લેડીઝ પોલીસ સાથે પકડાવી પોલીસ વાનમાં બેસાડી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ. અને સવારના 09:00 વાગ્યાથી સાંજના 09:00 વાગ્યા સુધી બેસાડી રાખેલ.
અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા જણાવેલ કે, તમારા સામાવાળાઓ કેસ જીતી ગયેલા હોય અને નામદાર કોર્ટ દ્વારા સામાવાળાઓને દાવાવાળી જમીનમાં મકાન બાંધકામ કરવાનો હુકમ કરેલ હોવાનું જણાવેલ.જોકે આ વિવાદિત કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહેલ હોવાનું પોલીસને જણાવવા છતાં દલિત સમાજના સભ્યોની કોઈપણ વાત સાંભળવામાં આવેલ નહીં હોવાનો રજૂઆતમાં આક્ષેપ સાથે કલેકટર દાહોદ, ડીવાયએસપી ઝાલોદ,પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને રજૂઆત કરી ન્યાય મેળવવા ઉગ્ર રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. જો કે અગાઉ પણ દલિત સમાજની જમીનમાં ગેરકાયદેસર હક જમાવવા ફતેપુરાના જ ઉચ્ચ જાતિના લોકોએ પોતે ચમાર જાતિના હોવાની જમીનમાં વારસાઈ કરી દલિતોની જમીન ઉપર માલિકો બની બેઠા હોવાનું જાણવા મળે છે. અને હાલ 7 /12 ની નકલમાં ઉચ્ચ જાતિના લોકો ચમાર તરીકે ઓળખાઈ રહ્યા છે!
આમ ગરીબ દલિત સમાજના લોકોની જાણ બહાર ખોટા દસ્તાવેજ બનાવી ગેરકાયદેસર જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી,પ્રવેશ કરી રસ્તો તથા મંદિર તોડી મકાન બનાવવાની કોશિશ કરાતા તેની ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ત્યારે ન્યાય કોને મળે છે તે આવનાર સમય જ બતાવશે.
