રાજેશ વસાવે :- દાહોદ
કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ
દાહોદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે પ્રયત્નો કરવા અપાઈ સૂચના
પ્રજાકીય કામોને લગતી પોતાની વિભાગીય કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવી-કલેકટરશ્રી યોગેશ નિરગુડે
દાહોદ તા. ૧૭
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક દાહોદ જિલ્લાનાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને નાગરિકોનાં પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું. પ્રજાકીય વિકાસના કામો નીતિ નિયમ ને અનુસરી, ગાઈડ લાઈન મુજબ, સમયસર અને એકબીજા વિભાગોનાં સંકલનમાં રહીને કરવા તેમજ પ્રજાનાં પ્રશ્નોને ઝડપી વાચા આપી, જન સુખાકારીના કામો કરવા માર્ગદર્શન સહિત સૂચના આપી હતી.

આ દરમ્યાન કલેકટરશ્રીએ અગાઉનાં પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતાં નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના વિભાગોનાં આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાનાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. એ સાથે વિવિધ વિભાગોની મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં પુરવઠા વિભાગ, ફૂડ વિભાગ, પી. એમ. પોષણ યોજના, જિલ્લા ટાસ્કફોર્સ, તકેદારી સમિતિ હેઠળની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી.

કલેકટરશ્રી યોગેશ નિરગુડે એ કહ્યું હતું કે, તમામ વિભાગોએ પ્રજાકીય કામોને લગતી પોતાની વિભાગીય કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવી. તેમજ દાહોદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે પ્રયત્નો કરવા પણ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. વધુમાં એમણે જણાવ્યું હતું કે, તમામ કચેરીઓના કર્મચારીઓ પોતાની કચેરીમાં બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ ન રાખે એની જવાબદારી આપણી સૌની છે.

આ અન્વયે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર,પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા,નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ.રાવલ,અગ્રણીશ્રી શંકરભાઈ,દાહોદ નાયબ વન સંરક્ષકશ્રી બ્રિજેશ ચૌધરી, દે. બારીયા નાયબ વન સંરક્ષકશ્રી મિતેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાઘેલા સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
