સુખસર તાલુકાના મકવાણાના વરુણા આશ્રમ શાળા પાસે હાઇવે માર્ગ ઉપર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત:સાતને ઈજા

Editor Dahod Live
3 Min Read

સુખસર તાલુકાના મકવાણાના વરુણા આશ્રમ શાળા પાસે હાઇવે માર્ગ ઉપર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં સાતને ઈજા

મોટરસાયકલ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ ખસેડાયા: ગંભીર ઇજાગ્રસ્તો પૈકી બેને દાહોદ રિફર કરાયા

બાબુ સોલંકી સુખસર

સુખસર,તા.15

    સુખસર તાલુકાના નાના-મોટા જાહેર માર્ગો ઉપર દિન પ્રતિદિન ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકોના અકસ્માત બનાવો વધતા જઈ રહ્યા છે.જેમાં કેટલાક નિર્દોષ લોકો ઇજાઓના શિકાર બની રહ્યા છે.તેવી જ રીતે 14 જાન્યુઆરી 25 ના રોજ સુખસર તાલુકાના મકવાણાના વરુણા આશ્રમશાળા પાસે હાઇવે માર્ગ ઉપર બે મોટર સાયકલો વચ્ચે અકસ્માત થતા સાત જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ તથા ગંભીર ઈજાગ્રસ્ત બેને દાહોદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.તેમજ તેઓની હાલત સુધારા ઉપર હોવાનું જાણવા મળે છે.

 

 

      જાણવા મળેલી વિગતો મુજબ 14 જાન્યુઆરી 2025 ના રોજ કાળીયા ગામના બીપીનભાઈ નાનજીભાઈ મછાર મોટર સાયકલ ઉપર ડિમ્પલબેન કાંતિભાઈ મછાર તથા પાયલબેન મુકેશભાઈ મછાર નાઓને પોતાના કબજાની મોટરસાયકલ નંબર જીજે.20-એએ- 8024 લઈ સુખસર ઘર સામાન લેવા માટે આવ્યા હતા.ઘર સામાન લઈ બપોર બાદ ત્રણેક વાગ્યાના અરસામાં પરત મોટરસાયકલ ઉપર જવા ત્રણ ભાઈ-બહેન સુખસરથી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર મકવાણાના વરુણા આશ્રમશાળા પાસે જતા સામેથી એક મોટર સાયકલ નંબર.જીજે-20.એજી-4634 ઉપર ચાર સવાર મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી બીપીનભાઈ મછારની મોટરસાયકલને અડફેટમાં લઈ અકસ્માત કરતા બીપીનભાઈ મછારને માથામાં તથા હાથે,પગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે પાછળ બેઠેલ ડિમ્પલબેન મછારને મોઢા ઉપર માથા તથા હાથે ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે પાયલબેન મુકેશભાઈ મછારને ગાલ ઉપર તથા હાથે ઇજા થયેલ હતી.તે પૈકી બીપીનભાઈ મછારને માથામાં તથા હાથે પગે ગંભીર ઇજાઓ હોય ઝાલોદ દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદ રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે અકસ્માત નોતરનાર સામેના મોટરસાયકલ સવાર એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ આ મોટરસાયકલ ઉપર અન્ય ત્રણ લોકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરાતા તાત્કાલિક 108 ના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને તમામ ઇજાગ્રસ્તોને ઝાલોદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.સામાન્ય ઇજાગ્રસ્તોને ઝાલોદ દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી.જ્યારે બંને મોટરસાયકલ ચાલકોને ઝાલોદ બાદ વધુ સારવાર માટે દાહોદ રીફર કરવામાં આવેલ હોવાનું જાણવામાં આવે છે.જોકે આ અકસ્માત સ્થળે મોટર સાયકલોની હાલત જોતા ગંભીર અકસ્માત સર્જાયેલ જણાઈ રહ્યો હતો.પરંતુ સદનસીબે જાનહાની ટળી હોવાનું જાણવા મળે છે.હાલ તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.અને તમામ ઇજાગ્રસ્તોની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળે છે.

Share This Article