ઝાલોદના ચાકલીયા ટીંબી આંગણવાડી કેન્દ્રમાં આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી.! ગંભીર ક્ષતિઓ બહાર આવતા રૂ. ૫૧,૪૩૨/-ની સ્વૈચ્છિક રિકવરી સરકારમાં જમા કરાવ્યા..

Editor Dahod Live
3 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

ઝાલોદના ચાકલીયા ટીંબી આંગણવાડી કેન્દ્રમાં આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી.!

ગંભીર ક્ષતિઓ બહાર આવતા રૂ. ૫૧,૪૩૨/-ની સ્વૈચ્છિક રિકવરી સરકારમાં જમા કરાવ્યા..

દાહોદ તા. ૨૬

દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી સ્મિત લોઢા દ્વારા તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ચાકલીયા ટીંબી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્ર સમય પહેલાં બંધ હાલતમાં જોવા મળ્યું હતું.

ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે બાળકોને આપવામાં આવતી પોષણ સુધા યોજનાના સવાર તથા બપોરના નાસ્તાના મેનૂ અંગે આંગણવાડી વર્કર બહેનને જાણકારી નહોતી. કેન્દ્ર પર ન તો સવારનો નાસ્તો બનાવવામાં આવ્યો હતો કે ન બપોરનું ભોજન. આંગણવાડી કેન્દ્ર પર કોઈપણ પ્રકારની શૈક્ષણિક કે પોષણ સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી નહોતી.

દૂધ સંજીવની યોજના અંતર્ગત આપવામાં આવતા દૂધના પાઉચના વિતરણ અંગે કોઈ નોંધપાત્ર આધાર ઉપલબ્ધ નહોતો. ઉપરાંત આંગણવાડી કેન્દ્ર તથા તેની આસપાસ સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળ્યો હતો.

સુપોષિત દાહોદ એપ્લિકેશનમાં સવારના નાસ્તા, બપોરના ભોજન તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત ફોટોગ્રાફ અપલોડ કરાયેલા નહોતા. જિલ્લામાંથી રોજ અપલોડ થતા પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિડીયો પણ ડાઉનલોડ કરવામાં આવ્યા નહોતા. આંગણવાડી કેન્દ્ર પર કોઈપણ પ્રકારના રજીસ્ટર નિભાવવામાં આવ્યા નહોતા તેમજ મેનૂ મુજબ બાળકોને ભોજન આપવામાં આવતું નહોતું.

‘મારી વિકાસ યાત્રા’ રમત-ગમત ભાગ ૧ અને ૨, ચિત્રપોથી તથા બાળકોના પોર્ટફોલિયો નિભાવવામાં આવ્યા નહોતા. એપ્લિકેશનમાં બાળકોની નોંધણી કરાઈ નહોતી અને આંગણવાડી કેન્દ્ર પર એચ.સી.એમ. (હોટ કુકડ મીલ) નો જથ્થો પણ ઉપલબ્ધ નહોતો.

આંગણવાડી કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા છતાં તા. ૨૫/૧૧/૨૦૧૯ ના પરિપત્ર મુજબ લાભાર્થીઓને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવી મૂળભૂત સેવાઓ આપવામાં આવતી નહોતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂ ખુલાસો માંગવામાં આવ્યો હતો કે, જો કામગીરીમાં રસ ન હોય તો સેવા શા માટે સમાપ્ત ન કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન ચૌહાણ દ્વારા વારંવાર સૂચનાઓ, માર્ગદર્શન, તાલીમ અને નોટિસ આપવામાં આવી હોવા છતાં છેલ્લા બે વર્ષથી સંતોષકારક કામગીરી થતી ન હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું છે. દાહોદ જિલ્લાને સુપોષિત બનાવવા અને કુપોષણ નાબૂદ કરવા માટે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

આ સમગ્ર મામલે ચાકલીયા ટીંબી આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેન દ્વારા પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવામાં આવી હતી તથા એક તક આપવા વિનંતી કરવામાં આવી હતી. ખાધ્ય સામગ્રી તથા અન્ય સાધન સામગ્રીના નુકસાનના વળતર પેટે રૂ. ૫૧,૪૩૨/- (અંકે એકાવન હજાર ચારસો બત્રીસ પુરા)ની રકમ સ્વૈચ્છિક રીતે સરકારશ્રીના સદરે જમા કરાવવામાં આવી હતી.

આ સાથે ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન નહીં કરવાની લેખિત બાહેધરી આપતા તેમની માનદ સેવા ચાલુ રાખવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article