*સુખસર તાલુકાના પીપલારા ગામના યુવાનને મોબાઈલથી છોકરીના અવાજમાં પ્રેમાલાપ કરી બોલાવી લૂંટી લેનાર વાંસિયાકુઈ તથા ટાઢીગોળીના ત્રણની ધરપકડ* *લૂંટમાં સંડોવાયેલ ચાર ઈસમો એ ત્રણ યુવાનોને બાનમાં લઈ ચાંદીના કડાં, મોબાઈલ,રોકડ મળી રૂપિયા 1,00,300 ની લૂંટ ચલાવી હતી: એક ફરાર*

Editor Dahod Live
4 Min Read

 

 

 

 

 

 

 

 

 

બાબુ સોલંકી :- સુખસર

સુખસર તાલુકાના પીપલારા ગામના યુવાનને મોબાઈલથી છોકરીના અવાજમાં પ્રેમાલાપ કરી બોલાવી લૂંટી લેનાર વાંસિયાકુઈ તથા ટાઢીગોળીના ત્રણની ધરપકડ*

*લૂંટમાં સંડોવાયેલ ચાર ઈસમો એ ત્રણ યુવાનોને બાનમાં લઈ ચાંદીના કડાં, મોબાઈલ,રોકડ મળી રૂપિયા 1,00,300 ની લૂંટ ચલાવી હતી: એક ફરાર*

*ઝડપાયેલા ઈસમો પાસેથી ચોરી તથા લૂંટના અન્ય મોબાઇલ મળી આવ્યા હોવાની ચર્ચા:રિમાન્ડ દરમ્યાન ચોરી,લૂંટના અનેક ગુનાઓનો ભેદ ખુલવાની શક્યતા*

સુખસર,તા,24

સુખસર તાલુકાના પીપલારા ગામના 21 વર્ષિય યુવાનને મોબાઈલ દ્વારા છોકરીના અવાજમાં પ્રેમ ભરી વાત કરી મળવા બોલાવ્યા બાદ લૂંટનો શિકાર બનાવતા વાંસીયાકુઈ તથા ટાઢીગોળી ગામના ચાર ઇસમો પૈકી ત્રણની સુખસર પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.એક આરોપી ફરાર છે.ઝડપાયેલા ઈસમોની પૂછપરછ દરમ્યાન આગાઉ ચોરી તથા લૂંટ દ્વારા મેળવેલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.તેમજ રિમાન્ડ દરમ્યાન અન્ય ચોરી લૂંટના ભેદ ખુલવાની શક્યતા જણાઈ રહી છે.

         જાણવા મળેલ વિગતો મુજબ 21 નવેમ્બર 2025 ના ત્રણેક દિવસ અગાઉથી પીપલારા ગામના મંદિર ફળિયામાં રહેતા ઘનશ્યામભાઈ દિનેશભાઈ ગરાસીયા ઉંમર વર્ષ 21 ના ઓના મોબાઈલ ઉપર કોઈક છોકરીના અવાજમાં કોલ આવી રહ્યા હતા.પરંતુ આ છોકરીથી ઘનશ્યામભાઈ પરિચિત ન હોય વાત કરવાનું ટાળતા હતા.અને ફરીથી 21 નવેમ્બરના રોજ ઘનશ્યામભાઈ ગરાસીયાના મોબાઈલ ઉપર કોલ આવતા કોલ રીસીવ કરેલ હતો.જેમાં સામેથી છોકરીના અવાજમાં જણાવેલ કે તમો વાંસિયાકુઈ ગામે વેળા પાસે મને મળવા આવો તેમ જણાવતા ઘનશ્યામભાઈ તેમના મિત્રો નામે ડેવિલ કુમાર રાજેશભાઈ પારગી તથા સતિષભાઈ નરેન્દ્રભાઈ પારગીના ઓને સાથે રાખી મોટર સાયકલ ઉપર રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં વાસિયાકુઈ વેળા પાસે, ગાડાં ચિલા કાચા રસ્તા ઉપર ગયેલા.જ્યાં ચાર જેટલા અજાણ્યા ઇસમોએ આ ત્રણ વ્યક્તિઓને બાનમાં લઈ લીધા હતા.અને ઘનશ્યામભાઈના હાથમાં પહેરેલ ચાંદીના બે કડાં જેની કિંમત રૂપિયા 50,000 તથા ખિસ્સામાં રાખેલ પર્સ અને પર્સમાં રાખેલ આધાર કાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ,ચાર એ.ટી.એમ અને રોકડ રૂપિયા 300 તેમજ મોબાઇલ ફોન નંગ ત્રણ એમ કુલ મળી રૂપિયા 1,003,00 ની લૂંટ કરવામાં આવી હતી.તેમજ ઘનશ્યામભાઈને કમર પટ્ટા વડે માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી અજાણ્યા ચાર લુંટારૂઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

       લૂંટનો ભોગ બનેલા ત્રણ મિત્રોએ આબરૂ જવાના ડરથી પોતાના સાથે ઘટેલી ઘટના બાબતે કોઈને વાત કરી ન હતી.પરંતુ હાલમાં જેવો બનાવ તેમની સાથે બન્યો છે તેવો જ બનાવ ગત આઠ માસ અગાઉ અને વાંસિયા કુઈની તેજ જગ્યા ઉપર સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે રહેતા પારસીગભાઈ ગંગજીભાઈ કટારાની સાથે બનવા પામ્યો હતો.જેની જાણ ઘનશ્યામભાઈ ગરાસીયાને થતા છોકરીના અવાજમાં વાત કરી યુવાનોને લૂંટનો શિકાર બનાવતી ટોળકી લાંબા સમયથી કાર્યરત હોવાનું અને આ ટોળકીનો હવે પછી કોઈ યુવાનો શિકાર બને નહીં તે હેતુથી 22 નવેમ્બર 2025 ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં પોતાના સાથે ઘટેલી ઘટના બાબતે હકીકત જણાવતા અજાણ્યા ચાર લૂંટારાઓની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવતા સુખસર પોલીસે આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનું જાણવા મળે છે.જ્યારે એક આરોપી ફરાર છે.રિમાન્ડ દરમિયાન આ ટોળકીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓના નામ ખુલવાની સંભાવના જણાઇ રહી છે.

       ઉપરોક્ત ઘટના બાબતે સુખસર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે જ્યારે એક આરોપી ફરાર થતા તેની શોધખોળ ચાલુ છે.આરોપીઓ મોબાઇલમાં મોબાઇલમાં વોઇસ ચેન્જરનો ઉપયોગ કરી પ્રેમ ભરી વાતો કરી છોકરીનો અવાજ કાઢી ફસાવતા હોવાનું બહાર આવ્યું છે.ઝડપાયેલા આરોપીઓમાં(1)સંજય પુનાભાઈ ડામોર રહે.વાસીયાકુઇ,(2)રાજેશ બાબુભાઈ ડામોર રહે.વાસીયાકુઈ,(3)નરેશ હરસિંગભાઈ મછાર રહે.ટાઢીગોળી (4)પ્રકાશ હડ્યાભાઈ ગરાસીયા રહે.ટાઢી ગોળી તાલુકો સુખસર,જીલ્લો દાહોદના વતની હોવાનું જાણવા મળે છે.તેમજ લૂંટનો ભોગ બનેલા ઘનશ્યામભાઈ દિનેશભાઈ ગરાસીયા નાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપીઓની વિરુદ્ધમાં બી.એન.એસ. કલમ-308(5),351(3)115(2)54 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે સુખસર પોલીસ દ્વારા તેઓના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Share This Article