Friday, 21/11/2025
Dark Mode

પ્રાકૃતિક ખેતીથી મરચાં ઉગાડવાની રીત પર્યાવરણીય સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા જાળવવા માટે  પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્વપૂર્ણ

November 20, 2025
        33
પ્રાકૃતિક ખેતીથી મરચાં ઉગાડવાની રીત  પર્યાવરણીય સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા જાળવવા માટે   પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્વપૂર્ણ

રાજેશ વસાવે :- દાહોદ 

પ્રાકૃતિક ખેતીથી મરચાં ઉગાડવાની રીત

પર્યાવરણીય સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા જાળવવા માટે 

પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્વપૂર્ણ

દાહોદ તા. ૨૦ 

પ્રાકૃતિક ખેતીથી મરચાં ઉગાડવાની એક પદ્ધતિ છે જેમાં જમીનની ફળદ્રુપતા વધારવા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળવા અને પ્રકૃતિ સાથે સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. કુદરતી પદ્ધતિથી મરચાંની ખેતી સારી ઉપજ જ આપે છે એટલું જ નહિ, આ પાક સ્વાદ અને ગુણવત્તામાં પણ વધારો કરે છે. 

આ માટે સૌ પ્રથમ, જમીનની તૈયારી પર ધ્યાન આપવામાં આવે છે. ખેતરને ખેડવામાં આવે છે અને ગાયનાં છાણનું સારી રીતે સડેલું ખાતર, જીવાવૃત અથવા ઘનજીવામૃત જેવાં કુદરતી ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જમીનમાં હાજર સુક્ષ્મજીવોને સક્રિય કરે છે અને મરચાંના છોડને જરૂરી પોષક તત્વો સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.

  બીજની પસંદગીમાં શુદ્ધતા અને સ્થાનિક જાતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. બીજનું વાવેતર કરતાં પહેલાં બીજને બીજામૃતમાં પલાળીને સારવાર કરવામાં આવે છે, જે અંકુરણનો દર વધારે છે અને છોડને રોગોથી પણ બચાવે છે. રોપાઓ તૈયાર કરવા માટે નર્સરીમાં કાર્બનિક ખાતર અને મલ્ચનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે છોડ મજબૂત હોય છે, ત્યારે તેનું ખેતરમાં વાવેતર કરવામાં આવે છે.

  મરચાંના પાકને સિંચાઈની જરૂર હોય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં વધુ પાણીની જરૂરીયાત પડતી નથી. આમાં ટપક સિંચાઈનો ઉપયોગ ભેજ જાળવવા અને છોડનાં મૂળને મજબૂત કરવા માટે થાય છે. નીંદણ નિયંત્રણ માટે, રાસાયણિક દવાઓને બદલે હાથથી નીંદણ અને મલ્ચિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતરમાં સૂકા પાંદડા, મલ્ચ અથવા પાકનાં અવશેષો નાખવાથી ભેજ જાળવી રાખવામાં આવે છે એટલું જ નહિ, પણ નીંદણ પણ નિયંત્રણમાં રહે છે.

  જીવાત અને રોગોથી બચવા માટે લીમડાનું અર્ક, ગૌમૂત્ર, દશપર્ણીનો અર્ક અથવા છાશનો છંટકાવ કરીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. આ પગલાં છોડને તાકાત આપે છે અને જંતુઓને દૂર રાખે છે. આમ, રાસાયણિક જંતુનાશકોની જરૂર પડતી નથી.

મરચાનાં છોડની સંભાળ લેતી વખતે, ખેતરમાં વિવિધતા જાળવવામાં આવે તેની પણ કાળજી લેવામાં આવે છે. તેની સાથે કોથમીર, મેથી અથવા તલ જેવાં અન્ય પાકોનું વાવેતર કરવાથી મરચાંની વૃદ્ધિમાં સુધારો થાય છે અને જંતુના નિયંત્રણમાં પણ મદદ મળે છે. કુદરતી ખેતીમાંથી ઉગાડવામાં આવતાં મરચાંની લણણી પણ સમયસર કરવામાં આવે છે. પાકેલાં મરચાંને કાળજીપૂર્વક તોડીને બજારમાં મોકલવામાં આવે છે.

  આ રીતે પ્રાકૃતિક ખેતીથી મરચાંની ખેતી ખેડૂતને આર્થિક લાભ તો આપે જ છે સાથે સાથે ગ્રાહકોને આરોગ્યપ્રદ અને સલામત ખોરાક પણ મળે છે. પર્યાવરણીય સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા જાળવવા અને ટકાઉ ખેતી માટે પણ પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!