દેવગઢ બારીયાના નાની મંગોઈમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ, એક કરોડનો મુદ્દામાલ જપ્ત.!
ગ્રામજનોએ હિંમત દાખવી રેતી ભરેલા ચાર તેમજ ખાલી ત્રણ ડમ્પરો તેમજ હિટાચી મશીન કબજે કર્યું.
ગેરકાયદેસર રેતીખનન મામલે કાર્યવાહી અંગે રજૂઆતો બાદ પણ કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોએ બાયો ચડાવી.
દાહોદ તા. 17

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાની મંગોઈ ગામે ગેરકાયદેસર રેતી ખનનનો મોટો પર્દાફાશ થયો છે.ગ્રામજનોએ પોતાની હિંમત બતાવી રેતી ભરેલા હાઈવા ડમ્પરો તેમજ હિટાચી મશીન ઝડપી પાડ્યા છે અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી તમામ મુદ્દા માલ સુપરત કર્યો છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાંક વર્ષોથી ઉજ્જળ નદીના પટ્ટામાંથી નાની મંગોઈ, મોટી મંગોઈ અને લવારીયા ગામની આસપાસ મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું.અગાઉ ગ્રામજનોએ આ મુદ્દે અનેક વખત સ્થાનિક તંત્ર, ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર પાસે રજૂઆતો કરી હતી, છતાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરાઈ નહોતી.તંત્રની બેદરકારી સામે ગ્રામજનોએ સીધો જ પગલું ભરી ચાર રેતી ભરેલા અને ત્રણ ખાલી હાઈવા ડમ્પરો સાથે હિટાચી મશીન ઝડપી પાડ્યું છે.
આ તમામ મુદ્દામાલને ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગને સોંપ્યો હતો.જોકે ઘટના અંગે જાણ થતા ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ સ્થળ પર દોડી આવ્યા હતા.સત્તાવાળાઓએ હાલ એક કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
