રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં પારસી કોલોની ગણેશ પંડાલની ઓપરેશન સિંદૂર થીમએ લોકોને આકર્ષ્યા*
*હે, વિઘ્નહર્તા આપણા દેશ પરના તમામ વિધ્નો હરીને દેશની રક્ષા કરજો*
દાહોદ તા. ૩
દાહોદ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે. દાહોદ શહેરમાં આવેલ પારસી કોલોની માં બનાવવામાં આવેલ ગણેશ પંડાલ જતાં – આવતાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે, પરંતુ આ વખતે વિશેષ રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ વખતે પ્રથમ વખત પંડાલોમાં અનેકવિધ પ્રવૃતિઓ સાથે વિવિધ થીમ આધારિત પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ગણેશ પંડાલ પ્રતિયોગિતાની પહેલ કરી છે, ત્યારે દાહોદના ગણેશ પંડાલ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એનું એક ઉદાહરણ એટલે પારસી કોલોનીમાં ઉભું કરેલ ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ પંડાલ. દેશની નારીઓનું સિંદૂર મિટાવનારનું દેશની નારી શક્તિ એ નામોનિશાન મિટાવી દીધું.

હા, અહીં બહારથી જોતા જ આપણને ખ્યાલ આવી જાય છે. ઓપરેશન સિંદૂરને આ ગણેશ પંડાલમાં બહારથી એટલી સ્પષ્ટતા પૂર્વક તેમજ સરળતાથી રજૂ કરવામાં આવ્યુ છે. ભારત દેશના સૈનિકોએ જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાતમો કર્યો છે એ વાતને ઉજાગર કરવા અને સૈન્યની શક્તિને સલામ કરવા માટે ઓપરેશન સિંદુરની થીમ જોડવામાં આવી છે.

અહીં મુખ્ય ગેટ પરથી જ આપણને દેશ ભક્તિના પ્રથમ દર્શન થઇ જાય છે. હા, અંદર ગયા પછી પ્રથમ આપણે ઓપરેશન સિંદૂર અને થયેલ હુમલાની યાદ આવી જાય છે. અહીંના યુવક મંડળએ ડોક્યુમેન્ટરી એ મુજબ પ્રસ્તુત કરી છે જાણે આપણી નજર સમક્ષ બધી ઘટના ઘટી રહી છે. જેને નિહાળનાર સૌ કોઈ ભાવુક થઇ જાય. ચારેબાજુ આર્મી જવાનો, અને તોપ નજરે ચઢે છે. આપણા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આપણો નજરીયો સન્માન પૂર્વક નમી જાય છે. હા, નાનકડાં બાળકો પણ આ પંડાલમાં સહભાગી બન્યા છે. આ થીમ દ્વારા આયોજકો વિઘ્નહર્તાને આપણા દેશ પર કોઈપણ પ્રકારની આપત્તિ ન આવે અને આવતાં તમામ વિધ્નો હરવા માટેની પાર્થના કરવામાં આવી છે.
૦૦૦