બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા ખાતે ફતેપુરા તથા સંજેલી તાલુકાનો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો*
*ફતેપુરા તાલુકા ની 63 તથા સંજેલી તાલુકા ની ૪૦ જેટલા સખી મંડળના મહિલા સ્વ સહાય જૂથો ને ૧.૮૪ કરોડ ના ચેક વિતરણ કરાયા*
સુખસર,તા.31

પંડિત દિનદયાળ અંત્યોદય યોજના,રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ફતેપુરા અને સંજેલી તાલુકા પંચાયત ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો હતો.જેમાં ૧.૮૪ કરોડ ના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફતેપુરા અને સંજેલી તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં સ્વ સહાય જૂથોને સરકારની યોજના હેઠળ સહાય વિતરણ કરવામાં આવી હતી.ફતેપુરા તાલુકાના 63 સખી મંડળ માં 1.03 કરોડ અને સંજેલી તાલુકા માં 40 જેટલા સખી મંડળમાં 81 લાખ સ્વસહાય જૂથો માટે રાશિ બેંકો દ્વારા મંજુર કરવામાં આવી હતી.આ 103 સ્વસહાય જૂથોને રૂ.184 લાખની રકમનું આજે વિતરણ કરવામાં આવ્યુ હતુ.ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરે સખીમંડળની બહેનો સાથે રસપ્રદ વાર્તાલાપ કરી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
સંજેલી તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોર અને ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી એ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આર્થિક રીતે પગભર બને તેવા આશયથી સખીમંડળ શરૂઆત છે.મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે સરકાર સતત કાર્યરત છે. સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવી રહી છે,ત્યારે તેઓ રાજ્યના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે તે માટે સરકાર કરોડોની લોન સહાય આપી રહી છે.મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેયને સાકાર કરતા આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી,સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ અરુણા પલાસ,આગેવાન મુકેશ ઉર્ફે ટીનાભાઈ પારગી,લાલાભાઈ સુવર,મહેન્દ્રભાઈ પલાશ,ટી.એલ.એમ ધર્મિષ્ઠાબેન, મંજુલાબેન,સહિત મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.