
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકામાં યુરિયા ખાતરની કુત્રિમ અછત ઉભી કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા*
*ફતેપુરા તાલુકાના સરકાર માન્ય એગ્રો સેન્ટરમાં ખાતરની અછત જ્યારે ખાનગી વેપારીઓ ઊંચા ભાવે ખાતર વેચાણ કરી રહ્યા છે*
સુખસર,તા.19
ફતેપુરા તાલુકામાં સમયસર વરસાદનું આગમન થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા. અને મોટાભાગની ખેતીમાં વાવણી કરી ચૂક્યા છે.મોંઘા ભાવના બિયારણો લાવી ખેતીમાં વાવણી કર્યા બાદ હાલ યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થઈ હોય તેવા જ સમયે સરકારી એગ્રો સેન્ટરોમાં ખાતર જોવા મળતું નથી.જ્યારે ખાનગી વેપારીઓ ઊંચા ભાવે ખાતર વેચાણ કરતા હોવા થી ખેડૂતોની ધોળા દિવસે ઉઘાડી લૂંટ ચલાવાઇ રહી હોવાની તાલુકામાં બૂમો ઊઠવા પામેલ છે.
જાણવા મળેલ વિગતો મુજબ હાલ ખેડૂતો પોતાની ખેતીમાં મકાઈ, ડાંગર,સોયાબીન વિગેરેની ખેતી કરી ચૂક્યા છે.અને હાલ યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થયેલ છે.તેવા જ સમયે ફતેપુરા તાલુકામાં સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં યુરિયા ખાતર આલોપ થઈ ગયું છે.જ્યારે ખાનગી વેપારીઓ પાસે જોઈએ તેટલું ખાતર મોંઘા ભાવે આસાનીથી વેચાણ થતું હોવાનું જોવા મળી રહ્યું છે.જોકે યુરિયા ખાતરની એક બેગના રૂપિયા 266.50 પૈસા ભાવ હોવા છતાં આ ખાતરનો ખાનગી વેપારીઓ 350 રૂપિયાના ભાવે વેચાણ કરી રહ્યા હોય ખેડૂતોને ધોળા દિવસે લૂંટવામાં આવી રહ્યા હોવા છતાં ખેડૂતો માટે મગરના આંસુ સારતા સરકારી તંત્રો અને કહેવાતા ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાના વચનો આપી ચૂંટણી જીતી રાજ ચલાવતા આગેવાનો હાલ કોઈ જગ્યાએ જોવા મળતા નથી.જ્યારે ખેડૂતો શોષણનો શિકાર બની રહ્યા છે ત્યારે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા આગેવાની કરવાની કોઈને તસ્દી લેવા કોઈ તૈયાર નહીં હોવાનું જણાઈ રહ્યું છે.
નોંધનીય છે કે,દર વર્ષે ખેડૂતોને ખેતીમાં ખાતર આપવાના સમયે જ સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં ખાતર ની તંગી સર્જાય છે.માની લઈએ કે ખેતીમાં ખાતર આપવાના સમયે એગ્રો સેન્ટરોમાં ખાતર આવતું હોય અને કદાચ આવેલો સ્ટોક ખલાસ થઈ જતો હોય તો માની શકીએ કે એગ્રો સેન્ટર સંચાલકોની કોઈ ભૂલ ના હોય.પરંતુ જ્યારે જ્યારે ખેડૂતોને ખેતીવાડીમાં અને ખાસ કરીને ચોમાસાના સમયે ખેતીમાં ખાતર આપવાના સમયે જ એગ્રો સેન્ટરોમાં ખાતર જોવા મળતું નથી.જ્યારે ખાનગી વેપારીઓ આસાનીથી ઊંચા ભાવે ખાતરનું વેચાણ કરી ખેડૂતોને લૂંટી રહ્યા છે.તેમ છતાં લાગતા-વળગતા તંત્રો પણ આંખ આડા કાન કરતાં હોય તેમ જણાઈ રહ્યું છે.ખેડૂતો પોતાની ખેતીમાં સમયસર ખાતર આપી ખેતીમાં વધુ ઉપજ મેળવી શકે તેના માટે તાલુકા- જિલ્લાના તંત્રો દ્વારા ધ્યાન આપી ખાતરની અછત દૂર કરે તેમજ સરકારી ભાવે ખેડૂતોને ખાતર મળી રહે તેવું આયોજન કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.