
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાની 365 પંચાયતોમાં સરપંચ પદે 2થી3 જ્યારે સભ્ય પદે સરેરાશ 10થી 15 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
365 પંચાયતોમાં કુલ 5210 ઉમેદવારો મેદાનમાં,જોરશોરથી પ્રચારનો ધમધમાટ
દાહોદ તા.13
દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે ચૂંટણી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની કુલ 365 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય પદ માટે કુલ 5210 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાની 281 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજાઈ રહી છે. આ 281 પંચાયતોમાં સરપંચ પદ માટે કુલ 840 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે જ્યારે ગ્રામ પંચાયત સભ્ય પદ માટે 4336 ઉમેદવારો મેદાનમાં છે. આ આંકડાઓ દર્શાવે છે કે દરેક પંચાયતમાં સરેરાશ 3 જેટલા ઉમેદવારો સરપંચ પદ માટે સ્પર્ધામાં છે. જેના કારણે ચૂંટણી વધુ રોમાંચક બનશે. સભ્ય પદ માટે પણ સરેરાશ 15-16 ઉમેદવારોનો જમાવડો છે. આ ઉપરાંત, જિલ્લાની 84 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 12 ઉમેદવારો જ્યારે સભ્ય પદ માટે 22 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે. સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયત દીઠ સરેરાશ જોવા જઈએ તો સરપંચ પદ માટે આશરે 2-3 ઉમેદવારો અને સભ્ય પદ માટે આશરે 10-15 ઉમેદવારો સરેરાશ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં આ સંખ્યા વધુ હોઈ શકે છે, જ્યાં ત્રિ-પાંખિયો અથવા ચતુષ્કોણીય જંગ પણ જોવા મળી રહ્યો છે.ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં જ હવે ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
1000 થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા
ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસ બાદ હવે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અનેક દાવેદારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે મેદાનમાં રહેલા ઉમેદવારો વચ્ચેનો જંગ વધુ રોમાંચક બનશે. જિલ્લાની 84 ગ્રામ પંચાયતોમાં યોજાનારી પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 11 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે સભ્ય પદ માટે 9 ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે. સૌથી મોટો ફેરફાર 281 ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીમાં જોવા મળ્યો છે. અહીં ફોર્મ ભર્યા બાદ સરપંચ પદ પરથી 630 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે.તેવી જ રીતે, સભ્ય પદ માટે પણ 349 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતાં.
ચકાસણીમાં 221 ફોર્મ અમાન્ય ઠેરવાયા
ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા વેળા આ ચકાસણીમાં કુલ 221 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય ઠેરવવામાં આવ્યા છે.સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીમાં ફોર્મની સ્થિતિ
જિલ્લાની 281 ગ્રામ પંચાયતોમાં યોજાનારી સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી માટે ભરાયેલા ફોર્મ્સની ચકાસણી બાદ કેટલાક ફોર્મ અમાન્ય જાહેર કરાયા છે. સરપંચ પદ માટે ભરાયેલા ફોર્મ્સમાંથી 31 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. તેવી જ રીતે, સભ્ય પદ માટે ભરાયેલા ફોર્મ્સમાંથી 187 ફોર્મ પણ અમાન્ય જાહેર કરાયા હતાં.પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 1 ફોર્મ અને સભ્ય પદ માટે 1 ફોર્મ અમાન્ય જાહેર થયું હતું. આ અમાન્યતા પાછળના કારણોમાં અધૂરી માહિતી, જરૂરી દસ્તાવેજોનો અભાવ તેમજ અન્ય ટેકનિકલ ખામીઓનો સમાવેશ થાય છે.