
રાજેશ વસાવે :- દાહોદ
*ચુલના મેળામાં લોકો ધગધગતા અંગારા પર ચાલીને પૂરી કરે છે પોતાની માનતા*
*ઝાલોદ તાલુકાના રણીયાર ગામે ૩૫૦ વર્ષથી સતત યોજાતો ચૂલનો મેળો*
દાહોધર તા. 14
ધુળેટીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા જેને લોકો ”ચુલના મેળા” તરીકે ઓળખે છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે લોકો પોતાની માનતા પુરી કરવા ધુળેટીના દિવસે લોકો ધગધગતા અંગારામા ચાલી પોતાની માનતા પુરી કરે છે.
ધુળેટીના દિવસે ઉજવાતા ચુલના મેળાનું અનેરુ મહત્વ છે. આ મેળો રણિયાર ગામના રણછોડરાય મંદીરના પંટાગણમાં ૩૫૦ થી વધુ વર્ષથી યોજાય છે એમ આ ગામના વડીલોનું કહેવું છે. આ મેળામા ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવામાં આવે છે.
મંદિરના પટાંગણમાં એક ખાડો ખોદી ચૂલ બનાવામાં આવે છે. પછી રણછોડરાયના મંદિરમાંથી રણછોડરાયની મૂર્તિને વિધિવત બહાર લાવીને ચુલની જોડે મૂકવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ભક્તોને આશીર્વાદ આપવા માટે બહાર આવે છે. ત્યારબાદ સૌથી પહેલા ઠંડી ચૂલમાં મંદીરના મહારાજ ચૂલની પ્રદિક્ષણા કરી વિધિવત પૂજા વિધિ કરીને ઠંડી ચુલ ચાલે છે. ત્યારબાદ લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઇને ઠંડી ચુલ ચાલતા હોય છે.ત્યારબાદ ગરમ ચુલ ચાલવામાં આવે છે. ત્યારે એ જ ખાડામાં સુકા લાક્ડા મુકીને સળગાવવામા આવે છે. ત્યારબાદ એક્દમ ધગધગતા અંગારા થઇ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદ્ડા વડે અંગારામાં ઘી ની આહુતી આપવામાં આવે છે.
આ ચૂલમાં ચાલવા માટે મહારાજ બાજુમાં આવેલ તળાવમા સ્નાન કરીને ભીના કપડે ચુલની પ્રદક્ષિણા કરી ગરમ ચૂલમાં ચાલે છે ત્યારબાદ લોકો પોતાની માનતા પુરી કરવા માટે લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે.
આ ચુલના મેળામાં ચાલતા લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં છાલા પણ પડતા નથી એમ લોકોનું માનવું છે. આ વર્ષે પણ રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. ચુલના મેળામાં અહીંના લોકો ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પુરી કરી હતી.
આ પરંપરા જોવા અને પોતાની માનતાઓ પૂર્ણ કરવા લોકો રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ અહીં આવી ધુળેટીનો તહેવાર રણછોડરાયના સાંનિધ્યમાં ઉજવતા હોય છે.
દાહોદના આદિવાસીઓ વર્ષોથી તેમની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ સાચવી રાખી છે. આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર હોળીનો હોય છે અને આ હોળીના તહેવારમાં આદિવાસી સમાજનો કોઈ પણ વ્યક્તિ દેશનાં કોઈ પણ ખૂણામાં ગયો હોઈ તે અવશ્ય પોતાના માદરે વતનમાં આવતા હોય છે.
આદિવાસી લોકોને પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે. તેમની આસ્થા અને માન્યતાઓ વિભિન્ન પ્રકારની હોય છે. જેમાં કોઈ બિમારીથી છૂટકારો મેળવવા , નિઃસંતાન હોય તો બાળકની માનતા હોય, તેમજ કામધંધા અને ખેતીમાં સારી આવક થાય તે માટે તેમના ઇષ્ટદેવની માનતા લેતા હોય છે. અને એ માનતા બાધા પૂર્ણ થયા બાદ લોકો ચૂલના મેળામાં આવી પોતાની માનતા પૂર્ણ કરે છે.
000