
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વિકાસશીલ તાલુકાના મંજૂર થયેલા કામોના સ્પેસિફિકેશન અંગે બેઠક યોજાઈ*
*શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર વધારે ભાર મુકવામાં આવ્યો*
દાહોદ તા. 11
દાહોદ જિલ્લાના વિકાસસીલ તાલુકામાં વિવિધ ક્ષેત્રોમાં મંજૂર થયેલા દરખાસ્તના નાણાંનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કયા સાધનોથી અસરકારક થઈ શકે તે બાબતે દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
આ દરમ્યાન મંજૂર થયેલા દરખાસ્તની જરૂરીયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લાના વિકાસશીલ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાઓમાં તથા શૈક્ષણિક સંકુલમાં ભૌતિક સુવિધા આપવાની, જેમાં પાણી માટે બોર કરવા, પ્લાસ્ટિકની ટાંકીઓનુ વિતરણ કરવું, વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા કરવી, રમત ગમતના સાધનોની કીટ, કોમ્પ્યુટર લેબ અને જે પણ શાળાઓમાં ઓરડા ના હોય તેવી શાળાઓમાં ઓરડા બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને ડીપીઓશ્રી પાસે જરૂરીયાત હોય તેવી શાળાઓની અને સાધનોની વિગતો લઇને ઓરડા બનાવવા માટે સહિતની માહિતીની વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં જે આંગણવાડીઓના પોતાના મકાન નથી તેવી આંગણવાડીઓની માહિતી મંગાવવામાં આવી હતી. જેમાં કેટલી આંગણવાડીઓ પાસે જમીન બાબતનો પ્રશ્ન છે અને કેટલી આંગણવાડીઓ પાસે જમીન છે કે કેમ, જેના પર તાત્કાલિક ધોરણે આંગણવાડીના ઓરડા બનાવી શકાય તે બાબતે સંખ્યા સાથે પુરતી માહિતી મંગાવવામાં આવી છે.
એ સાથે ગ્રામ પંચાયતો, દૂધ મંડળીઓ અને આંગણવાડીઓ પર સ્ટ્રીટ લાઈટ લગાવવા માટે વિચારણા કરી તેના પોલ અને સંખ્યાની વિગત માહિતી મંગાવવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂટતા સાધનો ખરીદવા માટે જે પણ સાધનોની જરૂર હોય તેની માહિતી તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લાના દરેક તાલુકા મથકે દવા તેમજ વેક્સિન માટે કોલ સ્ટોરેજ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જે જગ્યાએ કોલ સ્ટોરેજ બનાવવાના હોય તે સ્થળ સહિતની માહિતી રજૂ કરવા માટે જણાવવામા આવ્યું હતું. આજે બોલાવેલી બેઠકમાં શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર વધારે ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી બી.એમ.પટેલ , જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આરત બારીયા,નાયબ પશુપાલન નિયામક શ્રી ડો કમલેશ ગોસાઈ, સહિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.