
*ફતેપુરા તાલુકાના પાટડીયામાં દાહોદ જિલ્લા એસ.ઓ.જી શાખા દ્વારા રેઇડ દરમ્યાન ગાંજાનો જથ્થો ઝડપાયો*
*પાટડીયાના ખેડૂતના ખેતર માંથી લીલા ગાંજાના છોડ તથા ઘરમાંથી સુકો 33.77 કિલો ગાંજો મળી આવતા 3,38200 નો મુદ્દા માલ જપ્ત કરી પિતા પુત્ર સામે ગુનો દાખલ કરાયો*
સુખસર,તા.3
ગુજરાતમાં દારૂબંધી તેમજ માદક પદાર્થનું સેવન કરવું,કબ્જામાં રાખવું કે વેચાણ કરવું તે ગુનો છે.અને તેમાં સંડોવાયેલા લોકો અવાર-નવાર ઝડપાઈ જઇ પોતાનું જીવન બરબાદ કરી રહ્યા હોવાનું સમયાંતરે જાણવા અને જોવા મળે છે.તેમ છતાં કેટલાક લોકો કાયદાકીય બાબતોની પરવા કર્યા વિના તેવા ધંધાઓ સાથે સંકળાઇ ટૂંકા સમયમાં માલદાર બની જવાના સપના સેવી ઝંપલાવી રહ્યા છે. જેના લીધે પોતા સહિત પરિવારને બરબાદીના માર્ગે ધકેલી રહ્યા છે.તેવોજ કિસ્સો ફતેપુરા તાલુકાના પાટડીયા ગામેથી પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લા એસઓજી શાખાને ખાનગી રાહે ફતેપુરા તાલુકાના પાટડીયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડકિયા ભાઈ વેલજીભાઈ ડામોરના કબ્જા ભોગવટાના ખેતરમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ લીલા ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાતમી મળતા રવિવારના રોજ પંચોને સાથે રાખી પાટડીયા ગામે એસઓજી શાખા એ રેડ પાડી હતી.ત્યારે રીંગણ,લસણના વાવેતર વાળા ખેતરમાંથી તેમજ વાલોળની વાડ નજીક ખેતરમાં છૂટાછવાયા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાજાના છોડ છુટાછવાયા વાવેતર કરેલ હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યારે તમામ કાયદાકીય પ્રોસિજર બાદ લીલા ગાંજાના 123 છોડ મળી આવ્યા હતા.જ્યારે કડકિયા ભાઈ ડામોરના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરતા મકાનમાંથી પીળા રંગની પ્લાસ્ટિક મીણીયા સિમેન્ટની થેલીમાં ભરેલ સુકો ગાંજો મળી આવ્યો હતો. મળી આવેલ ગાંજાનું કુલ વજન 33.77 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 3,37,700 તથા એક મોબાઇલ જેની કિંમત રૂપિયા 500 મળી કુલ રૂપિયા 3,38,200 નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે દાહોદ એસ.ઓ.જી શાખા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ.માળીના ઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાટડીયાના ડામોર ફળિયામાં રહેતા કડકિયાભાઈ વેલજીભાઈ ડામોર તથા મનુભાઈ કડકિયાભાઈ ડામોર નાઓની વિરુદ્ધમાં નારકોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ-1985 ની કલમ 20(એ) 20(બી) (2) (સી) મુજબ ગુનો દાખલ કરી કડકીયાભાઈ વેલજીભાઈ ડામોરની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે મનુભાઈ કડકિયાભાઈ ડામોર મળી આવેલ નહીં હોવાનું જાણવા મળે છે.