
*ફતેપુરા તાલુકાના સુખસરમાં બેફામ બનેલા રેકડા ચાલકે બસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા:જાનહાની ટળી*
*રેકડા ચાલકે અડફેટમાં લીધેલ એક મોટરસાયકલનો કચ્ચરઘાણ: શાકભાજીનો વેપાર કરતી એક મહિલાનો આબાદ બચાવ*
સુખસર,તા.2
ફતેપુરા તાલુકાના સુખસર સહિત પંથકમાં ટુ-ફોર વ્હિલર વાહન ચાલકો બેફામ બનતા જાય છે.અને પોતાના કબજાના વાહનોને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારતા નાના- મોટા અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. તેમાંએ ખાસ કરીને સુખસરમાં બસ સ્ટેશન વિસ્તારથી લઈ આસપુર ચોકડી સુધી હાઇવે માર્ગની બાજુમાં પથારા વાળાઓ તથા વાહનો પાર્ક કરી દેવાતા અકસ્માત થવાની શક્યતાઓ વધી જવા પામેલ છે.છતાં તે પ્રત્યે લાગતા- વળગતા તંત્રો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.અને સબ ચલતા હૈ ની નીતિ અપનાવવામાં આવી રહી છે.તેવી જ રીતે આજરોજ બસ સ્ટેશન વિસ્તારમાં એક રેકડા ચાલકે પોતાના કબજાના રેકડાને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી વાહન ઉપરથી કાબુ ગુમાવતા માર્ગની બાજુમાં પાર્ક કરેલ પાંચેક મોટર સાયકલોને અડફેટમાં લઈ નુકસાન પહોંચાડી ગયેલ હોવાનું જાણવા મળે છે.સદભાગ્યે જાનહાની ટળી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ટાટા એસીઇ રેકડા નંબર જીજે.01.એચ.ટી- 1548 ના ચાલકે પોતાના કબજાના રેકડા ઉપરથી કાબુ ગુમાવતા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક કરિયાણાની દુકાન સામે પાર્ક કરેલી મોટરસાયકલોને અડફેટમાં લેતા પાંચેક જેટલી મોટર સાયકલોને નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.જેમાં કાળીયા ગામના લવજીભાઈ કાળુભાઈ મછારના ઓની મોટરસાયકલને પણ અડફેટમાં લીધી હતી.અને આ મોટરસાયકલને મોટું નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.જોકે આ મોટરસાયકલ અડફેટમાં ના આવત તો આ રેકડો આગળ જતા મોટી જાનહાનિ સર્જાય તેવા સંજોગો ઊભા થયેલા હતા.તેમજ જે જગ્યાએ આ રેકડા ચાલક દ્વારા મોટર સાયકલોને અડફેટમાં લીધી તેની પાસે જ એક મહિલા શાકભાજી વેચવા માટે બેઠેલ હતી.પરંતુ તે મહિલા નસીબ જોગે પાણી પીવા માટે આસપાસમાં ગયેલ હતા.તેવા જ સમયે આ અકસ્માત સર્જાયો હતો.અને તેમાં મહિલાનો આબાદ બચાવ થયો હતો. મોટરસાયકલને નુકસાન પહોંચતા રેકડા ચાલક દ્વારા મોટરસાયકલ રીપેર કરાવી આપવાનું જણાવી ગેરેજમાં લઈ ગયો હતો.પરંતુ ત્યાં જઈ રેકડા ચાલક મોટર સાયકલ માલિકને ધમકાવીને પોતાના કબજાના રેકડાને લઈ ભાગી ગયો હોવા બાબતે લવજીભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
સુખસર બસ સ્ટેશન ચોકડીથી આસપુર ચોકડી સુધી ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગની બંને સાઈડોમાં સેંકડો વાહનો પાર્ક કરવા સહિત શાકભાજી તથા વિવિધ વેપાર ધંધા કરતા અનેક વેપારીઓ દ્વારા દરરોજ દબાણો ખડકી દેવામાં આવે છે.અને આટલી જગ્યામાં કોઈ વાહન ચાલકની બેદરકારીથી અથવા તો વાહનમાં મુશ્કેલી ઊભી થતા અકસ્માત સર્જે તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે નિર્દોષ લોકો જાનહાની નો ભોગ બને તે પહેલા યોગ્ય કરે તે જરૂરી છે.