દેવગઢ બારીયા નગરના ફુટપાથ પરના દબાણો હટાવવા નગર પાલિકાએ નોટીસ ફટકારી 7 દિવસનું અલ્ટીમેટમ: દબાણકર્તાઓમાં ફફડાટ..
દે.બારીયા તા. ૨૩
દેવગઢ બારીયા નગરના બસ સ્ટેશનથી સમડી સર્કલ વિસ્તારમાં ફુટપાથ પર દબાણ કરી વેપાર કરતા વેપારીઓને પાલિકાએ 7 દિવસમાં લારી ગલ્લા હટાવી દબાણ દુર કરવાની નોટીસ ફટકારતા દબાણદારોમા ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીયા નગરમાં બસ સ્ટેશન વિસ્તારથી સમડી સર્કલ સુધી આઈકોનિક રોડ અંતર્ગત રોડ તથા ફૂટપાથ બનાવવાની કામગીરી કરવાની હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા રોડની બાજુમાં લારી ગલ્લા મુકી ધંધો કરતા વેપારીઓને પોતાના લારી ગલ્લા તેમજ કેબીન સહિતનું દબાણ 7 દિવસમાં દુર કરવા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામા આવી છે. જોકે દેવગઢ બારીયામાં આમ તો મોટા ભાગના રસ્તાઓ પર દબાણ કરવામાં આવેલું છે, થોડા જ દિવસોમા નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાવાની છે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીઓની પણ નિમણુંક કરી દેવામા આવી છે, ત્યારે ચૂંટણી ટાણે દબાણદારોને નોટીસ ફટકારવામા આવતા રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.
ચૂંટણી ટાણે દબાણો દુર કરવામા આવશે તો તેની અસર ચૂંટણી પરિણામ પર પણ જોવા મળી શકે છે, હાલ તો નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યુ છે. જોકે દેવગઢ બારીયાના બસ સ્ટેશન વિસ્તારથી સમડી સર્કલ સુધીના દબાણો દૂર કરવા બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલી નિનામાએ જણાવ્યું હતું કે, હાલ આ વિસ્તારના દબાણદારોને દબાણ દુર કરવા માટે પ્રથમ નોટીસ આપી છે, 7 દિવસ બાદ જો દબાણ દુર કરવામા નહિ આવે તો નગરપાલિકા દ્વારા બીજી નોટીસ આપવામા આવશે અને ત્યારબાદ પણ દબાણ દુર કરવામાં નહીં આવે તો નગરપાલીકા તંત્ર દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરશે.