બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયા ભાટ મુવાડીના ગરીબ ખેડૂત સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાની લોન મેળવી લેતા બે ઇસમો વિરુદ્ધ રજૂઆત
બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બલૈયા દ્વારા રૂપિયા ૪,૪૫,૫૨૧ ભરપાઈ કરવાની નોટિસ મળતા ખેડૂતને જાણ થઈ
સાત વર્ષ અગાઉ રૂપિયા ૨,૯૦,૦૦૦ નેવુ હજાર લોન લીધેલ હોય વ્યાજ સાથે સાડા ચાર લાખ રૂપિયા ભરપાઈ કરવા બેંક દ્વારા જણાવાયું!
સુખસર,તા.૮
ફતેપુરા તાલુકામાં ચાલતી બેંકોમાં ખાતેદારો વિવિધ પ્રકારની મુશ્કેલીઓ ભોગવતા આવે છે.અને તે બાબતે જે-તે બેંકમાં જાણ કરવા છતાં મહિનાઓ વિતવા છતાં ન્યાય નહીં મળતો હોવાની ફરિયાદો પણ ઉઠે છે. તેવી જ રીતે હાલ ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ ભાટમુવાડીના એક ગરીબ ખેડૂતને બલૈયા બેંકમાંથી મકાન બાંધકામ માટે રૂપિયા પચાસ હજાર અપાવવાના બહાના હેઠળ અંગુઠાના નિશાન મેળવી લઇ તે ડોક્યુમેન્ટનો બે બેંકના મળતીયા ઇસમોએ ગેરલાભ ઉઠાવી બેંકમાંથી રૂપિયા ત્રણ લાખ જેટલી માતબર રકમ ઉપાડી લઈ તે વ્યક્તિઓએ પોતાના અંગત કામમાં વાપરી ગરીબ ખેડૂતને અંધારામાં રાખતા જેની હાલ વ્યાજ સાથે સાડા ચાર લાખ રૂપિયા ભરપાઈ કરવા નોટિસ મળતા ગરીબ ખેડૂત ના પગ તળેથી ધરતી ખસી જવા પામી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ ભાટ મુવાડી ગામના લક્ષ્મણભાઈ નાગજીભાઈ ડીંડોર ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવે છે.જેઓએ આજ દિન સુધી કોઈપણ બેંકમાંથી ખેત ધિરાણ કે અન્ય કોઈ લોન મેળવેલ નહીં હોવા છતાં ગત ૩૦.નવેમ્બર-૨૦૨૩ ના રોજ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બલૈયા શાખા દ્વારા નોટિસ આપી જણાવેલ કે,લોન ખાતા નંબર ૦૫/૧૫૮૨ દ્વારા તારીખ ૧૧/૭/૨૦૦૬ ના રોજ રૂપિયા ૨,૯૦,૦૦૦/-લોન લીધેલ હોવાની તથા વ્યાજ સાથે રૂપિયા ૪,૪૫,૫૨૧/-ભરપાઈ કરવા નોટિસ પાઠવવામાં આવતા પોતાના નામે બેંકમાં લહેણું બાકી હોવાની લક્ષ્મણભાઈ ડીંડોરને જાણ થતા બેંકનો સંપર્ક કર્યો હતો.અને જ્યાં હકીકત જણાવતા બેંક સત્તાધીશો એ જણાવેલ કે,તમો પાસે ડોક્યુમેન્ટમાં અંગુઠાના નિશાન કરાવી લેનાર લોકોની વિરુદ્ધમાં રજૂઆત આપો તેમ જણાવતા લક્ષ્મણભાઈ ડીંડોરે વડોદરા ગુજરાત ગ્રામીણ બેંક બલૈયાના મેનેજરને આજરોજ લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
રજૂઆતમાં કરવામાં આવેલ આક્ષેપ મુજબ એક ભાટ મુવાડીના તથા એક બલૈયાના આમ બે ઈસમો દ્વારા તમારે મકાન નથી,અને તમોને બલૈયા ગ્રામીણ બેંકમાંથી પચાસ હજાર રૂપિયા મકાન બાંધકામ માટે સહાય અપાવીએ તેમ જણાવી સાતેક વર્ષ અગાઉ બલૈયા બેન્કમાં લઈ જઈ તમારે બેંકમાં સહી કરવી પડશે તેમ જણાવી બેંકમાં લઈ ગયા હતા.અને જે-તે વખતના બેંક મેનેજર સામે સહીઓ કરાવી લીધેલ.ત્યારબાદ લક્ષ્મણભાઈ ડીંડોરને મકાન સહાય માટે કોઈ નાણા આપવામાં આવ્યા ન હતા.અને તકવાદી બે ઈસમોએ માત્ર રૂપિયા છ હજાર આપી સમજાવી દીધેલ હતા.જેથી કરવામાં આવેલ રજૂઆતમાં રજૂઆતકર્તા એ આ બે ઈસમોએ પોતાની સાથે છેતરપિંડી કરી ખોટી રીતે બેંક સત્તાધીશોના મેળાપીપળાથી નાણા મેળવી કરવામાં આવેલ છેતરપિંડી બાબતે બે ઈસમોની વિરુદ્ધમાં લેખિત રજૂઆત કરી તેમની વિરુદ્ધમાં ફોજદારી રાહે કાયદાકીય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મેં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક કે અન્ય કોઈ બેન્ક માંથી ક્યારેય ધિરાણ કે લોન લીધેલ નથી.પરંતુ મને સાડા ચાર લાખ રૂપિયા ભરપાઈ કરવા હાલ નોટિસ આપવામાં આવેલ છે.પરંતુ મને ભાટમુવાડીના તથા બલૈયાના આમ બે વ્યક્તિઓએ બેંકમાં લઈ જઈ સહી કરાવી છ વર્ષ અગાઉ છ હજાર રૂપિયા આપ્યા હતા.અને તેઓએ જ મને મકાન બાંધકામ માટે સહાય આપવાના બહાને મારા અંગૂઠાના નિશાન કરાવી બે લાખ નેવુ હજાર રૂપિયા ઉપાડી લઈ મને અંધારામાં રાખ્યો હોય મેં રજૂઆત કરી છે.
*(લક્ષ્મણભાઈ નાગજીભાઈ ડીંડોર,ભાટ મુવાડી,સ્થાનિક)*
ફતેપુરા તાલુકામાં સ્ટેટ બેંક,બેંક ઓફ બરોડા તથા ગ્રામીણ બેંક ચાલે છે.જેમાં હજારો ખાતેદારો આવેલા છે. તે પૈકી કેટલીક બેંકોમાં અભણ અબુધ લોકોને કેટલાક કહેવાતા જાગૃત લોકો લોન સહાય અપાવવા ટકાવારીના બહાના હેઠળ હજારો રૂપિયા પડાવી રહ્યા છે.જો આ બેંકો માંથી ખેતી ધીરાણ તથા વિવિધ ધંધાર્થે લોન સહાય મેળવનારા ઓની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો બેંકના દલાલો દ્વારા ગરીબ લોકોનુ કરવામાં આવતું શોષણ પ્રકાશમાં આવી શકે તેમ છે.આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ સત્ય હકીકત છે!