
ગણોતધારાની જોગવાઈઓનો ભંગ:દાહોદ મામલતદારે એક ખેડૂત ખાતેદારને બિન ખેડૂત જાહેર કરતા ચકચાર…
ખરીદાયેલી જમીન શ્રી સરકાર કરાઈ:
દાહોદ તા.07
દાહોદ સહીત પંચમહાલ, મહીસાગર તેમજ ગુજરાતમાં જમીન લે વેચનો ધંધો કરતા અને જમીનધારકોમાં મોટુ માથું ગણાતા મૂળ ગોધરા નિવાસી અબ્દુલ રહીમ અબ્દુલ સત્તાર ફોદાને દાહોદ મામલતદારે ખેડૂત ખાતેદારના ખરાઈના કેસમાં બિન ખેડૂત જાહેર કરતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યું છે.
દાહોદ કસ્બામાં સર્વે નંબર 470 માં જાણવા મળ્યા મુજબ તેઓએ જમીન ખરીદી તે અગાઉ ખેડૂત ખાતેદાર અંગેના કોઈ પણ પ્રકારના પુરાવા રજુ કરેલ ન હોઈ તથા તેઓની કચેરી દ્વારા ગણોતધારાની કલમ 63 હેઠળ મૂળભૂત ખેડૂત ખાતેદાર હોવા અંગે ખરાઈનો કાર્યવાહી ચાલતી હતી. તે દરમિયાન તેઓએ ખરીદેલી આ જમીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર (બક્ષીશગીરો કે વેચાણ )અંગે મનાઈ હુકમ આપી તે બાબતે ગામ દફતરે નોંધ નંબર 33650 થી 24.03.2000 ના રોજ દાખલ કરવામાં આવેલ હતી. આ દરમિયાન અબ્દુલ રહીમ અબ્દુલ સત્તાર ફોદા એક પણ મુદ્દતે હાજર ન રહેતા તેમજ ખેતીની જમીન ખરીદી તે અગાઉ ખેડૂત ખાતેદાર હોવાના કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરેલ ન હોઈ દાહોદના મામલતદાર શ્રી મનોજ મિશ્રાએ અબ્દુલ રહીમ અબ્દુલ સત્તાર ફોદાને માત્ર વેચાણના આધારે ખેડૂત તરીકેનો દરજ્જો મેળવેલ છે. અને વેચાણથી જમીન મેળવનાર બિન ખેડૂત હોઈ અને તેઓ તરફથી ખેતી સાથે સંકલાયેલાનો કોઈ આધાર પુરાવા રજૂ થયાં ન હોઈ ગણોતધારાની જોગવાઈઓ વિરુદ્ધનું કૃત્ય ગણાવી અબ્દુલ રહીમ અબ્દુલ સત્તાર ફોદા તથા અન્ય બે ઈસમોના નામ સાથે ધારણ કરાયેલ સ્વતંત્ર સંયુક્ત માલિકીની જમીનો મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 ની કલમ 63 નો ભંગ થતો હોવાનું તારણ રજૂ કરી સદર જમીન ગણોતધારાની કલમ 84(C) હેઠળ શ્રી સરકાર હસ્તેનો હુકમ કરતા અને નોંધનો મનાઈ હુકમ ઉઠાવી લઇ અબ્દુલ સત્તર ફોદાને બિન ખેડૂત જાહેર કરતા સમગ્ર પંથકમાં એક પ્રકારના છુપા ભય સાથે ચકચાર મચી જવા પામ્યો છે. તો બીજી તરફ શહેરમાં આ પ્રકરણથી તરેહ તરેહની ચર્ચાઓ એ જન્મ લીધો છે એટલું જ નહીં. જો સંબંધિતો દ્વારા દાહોદ તેમજ દાહોદના આજુબાજુના વિસ્તારમાં ખેડૂત ખાતેદારો અંગેની તપાસ કરવામાં આવે તો અન્ય કિસ્સાઓ પણ બહાર આવવાનું નકારી શકાતું નથી..