
દાહોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી પરિચિતો પાસેથી પૈસાની માંગણી કરી….
આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક તરફ લોકોની જીવનશૈલીને આસાન તેમજ સુવિધા યુક્ત બનાવી રહ્યો છે. તો સાથે સાથે કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયાના ઉપયોગ થકી દુનિયાભરની માહિતી ઘર બેઠા મેળવી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા એક તરફ લોકો માટે ઉપયોગી થઈ રહ્યું છે તો બીજી તરફ આ પ્લેટફોર્મના ગેરલાભ પણ છે. સોશિયલ મીડિયામાં હેકર્સ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટને હેક કરી એકાઉન્ટમાંથી પૈસા સેરવી લે છે. અથવા સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા પર્સનલ ફોટાને મોર્ફ કરી બ્લેકમેલ કરવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે જેમાં દાહોદ વિધાનસભા બેઠક પર ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા કોંગ્રેસના વજેસિંહ પણદાનું facebook તેમજ whatsapp એકાઉન્ટ અજાણ્યા ઇસમો દ્વારા હેક કરી તેમના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી ધારાસભ્યના પરિચિતો પાસે પૈસાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. જે બાદ વજેસિંહ પણદાએ પોતાના ઓફિશિયલ મોબાઈલ નંબર સાથેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે મારો whatsapp અને facebook એકાઉન્ટ કોઈએ હેક કર્યું છે અને પૈસાની માંગણી કરે છે જેથી મારા આ ઓફિસિયલ નંબર સિવાય અન્ય કોઈ નંબરથી મારા નામે કોઈ પણ પૈસાની માંગણી કરે જેની જાણ આધાર પુરાવા સાથે ઉપરોક્ત આપેલા નંબર ઉપર મોકલી આપો જેથી આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.