
દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે મીઠુ (નમક) મીસ બ્રાન્ડેડ જણાતાં અધિક કલેક્ટર દ્વારા વેન્ડર પેઢીના માલિક સહીત સાત ઈસમોને 85 હજારનો દંડ ફટકાર્યો..
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ પીપલોદ ગામેથી એક કરિયાણાના વેપારીને ત્યાંથી દાહોદ નગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા મીઠા (નમક) નું સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે વડોદરા મોકલી આપ્યાં બાદ આ પૃથ્થકરણના રિપોર્ટમાં મીઠુ (નમક) મીસ બ્રાન્ડેડ જણાતાં વેન્ડર પેઢીના માલિક, સપ્લાયર, ડીલર, માર્કેટીંગ પેઢીના નોમીની વિગેરે મળી કુલ ૦૭ ઈસમો સામે નિવાસી અધિક કલેક્ટર, દાહોદ દ્વારા કાર્યવાહી કરી કુલ રૂા. ૮૫,૦૦૦નો દંડ ફટકારતાં દાહોદ શહેર સહિત જિલ્લાના ભેળ સેળીયા વેપારીઓમાં ચકચાર મચી જવા પામી હતી.
તારીખ ૩૦.૦૬.૨૦૨૧ના રોજ દાહોદ નગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ નગરમાં આવેલ મે.કે.જી. એન. કરીયાણા સ્ટોર પરથી એક મીઠા (નમક) નો નમુનો લેવામાં આવ્યો હતો. આ લઈ દાહોદ ફુડ વિભાગ દ્વારા મીઠા (નમક) નો નમુનો પૃથ્થકરણ માટે વડોદરાને મોકલી આપવામાં આવ્યો હતો ત્યારે આ રિપોર્ટ આવતાં આ રિપોર્ટમાં મીઠા (નમક) નું બ્રાન્ડ મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આ મામલે નિવાસી અધિક કલેક્ટર, દાહોદ પાસે જતાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા વેન્ડર પેઢીના માલિક અને વિક્રેતા, મે.કે.જી. એન. કરીયાણા સ્ટોર ના અલ્તાફ હુસેન મોહમદભાઈ મન્સુરી, શાહ ચિરાગ પીયુશકુમાર (સપ્લાયર્સ પેઢીના માલિક), સુજીત રશ્મીનચંદ્ર બક્ષી (ડીલ પેઢીના માલિક), પટેલ નિલેશકુમાર વિષ્ણુભાઈ માર્કેટીંગ પેઢીના નોમીની), હિપોલીન માર્કેટીંગ (યુનીટ ઓફ હીપોલીન લી.) (માર્કેટીંગ પેઢી) નીલકંઠ ઈન્ડ., અમિત અશોકકુમાર સિંધવી (ઉત્પાદક પેઢીના નોમીની) અને પરફેક્ટ કેમફુડ ઈન્ડસ્ટ્રીઝ (ઉત્પાદક પેઢી) ને કુલ ૮૫,૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
———————