
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના લખનપુરમાં અજાણ્યા વાહન ચાલકે રેકડાને અડફેટમાં લેતા રેકડા ચાલકનું સારવાર દરમિયાન મોત.
મંગળવાર રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં લખણપુરના વાલ્મિકી સમાજના યુવાન રેકડા ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહન ચાલકોની બેદરકારીથી દિન-પ્રતિદિન વાહન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક બનાવ ગત રોજ રાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર કુંડલા ચોકડી પાસે રેકડા ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ અકસ્માત સર્જતા રેકડા ચાલકને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ,દાહોદ અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું આજરોજ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામના ધૂણી ફળિયા ખાતે રહેતા ગટાભાઈ બાબુભાઈ હરિજન ઉંમર વર્ષ આશરે ૩૦ નાઓ પોતાની માલિકીનો થ્રી વીલર રેકડો ચલાવી તથા છૂટક મજૂરી કામ ધંધો કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓ ગત રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં સુખસરથી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર કુંડલા ચોકડી ઉપરથી રેકડો લઇ પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગટાભાઈના કબજાના રેકડાને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા ગટાભાઇ હરિજનને માથામાં તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી.જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.અને ઝાલોદ દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.ત્યાંથી દાહોદ રીફર કર્યા હતા.પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત ગટા ભાઈને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન આજરોજ તેમનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.