
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાની રામપુરા સરકારી પ્રાથમિક શાળાનો દરવાજો પડતા આઠ વર્ષીય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત…
બાળકીને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
બાળકીના મૃત્યુ બાદ શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાયા
બાળકીને માથામાં ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું
બાળકીના પરિવારજનોમાં રોષ: પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો..
શાળામાં ગેટ તૂટવાની ઘટનાના બાદ બે TPO ની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચાઈ..
દાહોદ તા.26
દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો લોખંડનો તોતિંગ દરવાજો તૂટીને એક વિદ્યાર્થીની ઉપર પડ્યો હતો.જેમાં ગંભીર રૂપે ઘાયલ થયેલી વિદ્યાર્થીનીએ છ દિવસ દરમિયાન જીવન મરણના ઝોલા વચ્ચે સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ થયુ હતું. આ ઘટનાથી ગામમાં રોષ સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.જોકે સમગ્ર ઘટનાને લઇ શિક્ષણ વિભાગમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા શિક્ષણ વિભાગે શાળામાં બેદરકારી બદલ આચાર્ય ને ફરજ મોકૂફીના આદેશો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
દાહોદ તાલુકાના રામપુરા ગામના ડોબણ ફળીયામાં રહેતા નરેશભાઇ લલ્લુભાઇ મોહનીયાની 8 વર્ષિય પુત્રી અસ્મિતાબેન તા.20મીના રોજ રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા ગઇ હતી. ત્યારે સાંજના 4.30 વાગ્યાના અરસામાં શાળાએથી ઘરે જતા સમયે સ્કૂલનો મેઇન પાસે ઉભી હતી. તે દરમિયાન મેઇન દરવાજો અચાનક અસ્મિતા ઉપર પડતાં તેને માથામાં ભાગે ઇજા થઇ હતી. ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ દવાખાને દાખલ કરવામાં આવી હતી.જોકે ઘટના પગલે શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ દવાખાને દોડી ગયા હતાં.દરવાજો કઇ રીતે તૂટયો તેની તપાસ પણ શરૂ કરી હતી. જોકે, બાળકીના માથામાં ગંભીર પ્રકારની ઇજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યા છ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ આ ઘટનાને લઇ શિક્ષણ વિભાગમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા શાળાના આચાર્યને બેદરકારી બદલ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આદેશો કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
*જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કાઉન્સિલની ટીમ ઘટના સ્થળે પહોંચી..*
શાળાના મુખ્ય દ્વાર તૂટવાથી બાળકીનું મોત થતા તાબડતોડ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને આચાર્યને ફરજ મોકૂફીના આદેશો કર્યા બાદ આજરોજ પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ, તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કાઉન્સિલના નરેન્દ્ર સોની તેમજ તેમની ટીમ આજરોજ રામપુરા શાળામાં આવી પહોંચી હતી જ્યાં સમગ્ર ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરી આવું બનાવવાની કોઈ જગ્યાએ ન બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
*શાળામાં ગેટ તૂટવાની ઘટનાના બાદ બે TPO ની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચાઈ..*
રામપુરા પ્રાથમિક શાળામાં ગેટ તૂટવાના બનાવવામાં બાળકીના મોત બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ આવી ઘટના ન બને તે માટે તમામ તાલુકાના ટીપીઓને આદેશ કરી શાળાઓની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે તો બીજી તરફ રામપુરા શાળામાં બનેલ ઘટના સંબંધે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખની નિધરાણીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝાલોદ તેમજ ગરબાડા ની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટી ૯૦ દિવસની અંદર સમગ્ર ઘટના સંદર્ભે અહેવાલ તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સુપ્રત કરશે. અને ત્યારબાદ આ સંબંધે દોષિતો સામે યોગ્ય કાર્યવાહી થશે. પરંતુ હાલ તો શાળાના આચાર્યને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.