
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર નાયબ ખેતી નિયામક કચેરી દ્વારા 19 હજારનો ખાતરનો જથ્થો ઝડપ્યો..
દાહોદ તા.૧૫
ગતરાતે નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર પુંસરી ગામે મધ્યપ્રદેશ તરફ જતી શંકાસ્પદ લાગતી એમ.પી. પાસીંગની મહિન્દ્રા બોલેરો પીકપ ગાડીમાંથી બિલ કે આધાર પુરાવા વગરના સબસીડાઈઝ નીમ કોટેડ યુરીયા ખાતરની રૂા. ૧૯ હજાર ઉપરાંતની કિંમતની થેલીઓ નંગ ૭૪ પકડી પાડી તે ગાડીના ચાલકની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાંથી મધ્યપ્રદેશ તરફ યુરીયા ખાતર ગેરકાયદેસર રીતે બીલ કે આધાર પુરાવા વગર લઈ જવાતું હોવાની માહિતી દાહોદ નાયબ ખેતી નિયામકને મળતાં તે કચેરીના નાયબ ખેતી નીયામક તથા આર.ટી.ઓ. કચેરી ચેકપોસ્ટ પાસે ગુપ્ત વોચ ગોઠવી હતી તે દરમ્યાન માહિતીમાં જણાવેલ એમ.પી. ૧૧ જી-૬૨૨૦ નંબરની એમ.પી. પાસીંગની મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી ત્યાં આવતાં જ ગુપ્ત વોચમાં ઉભેલ નાયબ ખેતી નિયામક તથા તેમના સ્ટાફકર્મીઓએ ગાડી રોડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી કોઈ પણ પ્રકારના બીલ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે લઈ જવાતા સબ સીડાઈઝ નીમ કોટેડ યુરીયા ખાતરની રૂા. ૧૯,૭૨૧ ની કુલ કિંમતની થેલીઓ નંગ-૭૪ પકડી પાડી ગાડીના ચાલક મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ તાલુકાના જકનાવદા ગામના સુથાર મહોલ્લામાં રહેતા સુનીલભાઈ સોબારામ મેડાની અટક કરી પુછપરછ કરતા સદર ખાતરના ઝત્થો ગુજરાતના હૈદરભાઈ નામના વ્યક્તિએ વેચાતો આપ્યો હોવાનું તથા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવાદ તાલુકાના જકનાવદા સુથાર મોલ્લાના પ્રદીપભાઈ ગોપાલભાઈ રાઠોડે મંગાવ્યો હોવાનું જણાવતા નાયબ ખેતી નિયામક કચેરી દાહોદના દેવ્યાનીબેન મંગળસિંહ કટારાએ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે બોલેરો પીકપ ગાડીના ચાલક મોકલનાર તથા મંગાવનાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.