દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ / ગૌરવ પટેલ, લીમખેડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પોલીસ અધિકારીઓની બદલીઓના દોરમાં દાહોદ જિલ્લામાં બે પોલીસ અધિકારીઓ બદલાયા…
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં 22 જેટલાં આઇપીએસ અધિકારીઓ તેમજ 84 જેટલાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકની રાજ્યવ્યાપી આપી સામૂહિક બદલીઓના દોરમાં દાહોદ જિલ્લામાંથી એક એએસપી તેમજ એક ડીવાયએસપી સહિતના બે પોલીસ અધિકારીઓની બદલી થવા પામી છે.
આગામી બે ત્રણ માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની હોઈ ગુજરાત સરકાર દ્વારા જાહેર હિતમાં તબક્કાવાર પોલીસ અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ રાજ્ય સરકાર દ્વારા 22 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરતા ઝાલોદ ડિવિઝનમાં એ.એસ.પી તરીકે ફરજ બજાવતા 2018 ની બેચના આઇપીએસ અધિકારી વિજયસિંહ ગુર્જરને વલસાડ જિલ્લાના કલ ગામ ખાતે એસઆરપી ગ્રુપ 14માં બદલી કરવામાં આવી છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે 84 જેટલા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી આરબી દેવધાની પંચમહાલના ગોધરા રિજીયન ખાતે આઈ. બી માં બદલી કરવામાં આવી છે. ત્યારે તેમની જગ્યાએ હમણાં કોઈ પોલીસ અધિકારીની ઉપરોક્ત જગ્યાએ નિમણૂક કરવામાં આવી નથી. જોકે આ પહેલા પણ દાહોદ જિલ્લાના પોલીસ વિભાગમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા દાહોદમાં હાલ પોલીસ અધિકારીઓની બદલી છતાં ત્યાં પણ હાલ જગ્યા ખાલી થવા પામી છે ત્યારે ઉપરોક્ત જગ્યા ઉપર આવનારા સમયમાં પોલીસ અધિકારીઓની નિમણૂક થશે તેમ જોવાઈ રહ્યું છે.