હોળી-ધૂળેટીના પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરની અપીલ
સમગ્ર પર્વ દરમિયાન જિલ્લામાં પોલીસ સ્ટેન્ડ ટુ, બળજબરી પૂર્વક ઉધરાણી કે છેડતી જેવી બાબતો સામે પોલીસ કડક પગલા લેશે
દાહોદ, તા. ૧૭ :
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે નાગરિકોને હોળી ધૂળેટી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ આ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવા અપીલ કરી છે. એક સંદેશામાં તેમણે જણાવ્યું છે કે, નાગરિકોએ કોરોનાના સમયમાં પોલીસને ખૂબ જ સહયોગ આપ્યો છે. અત્યારે જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ તહેવારોમાં કોઇ પણ વ્યક્તિને પરેશાની થાય તેવા કાર્યો ન કરવા.
તેમણે ઉમેર્યું કે, બળજબરી પૂર્વક ઉધરાણી કે છેડતી જેવી બાબતોને જરા પણ ચલાવી નહી લેવાય અને આવા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવામાં આવશે. નાના બાળકો પણ વાહનચાલકો પર પોટલી-રંગો વગેરે ન ફેંકે કારણ કે અકસ્માત જેવી ગંભીર સ્થિતિ સર્જાય શકે છે. જિલ્લામાં આ પર્વ દરમિયાન કોઇ પણ પ્રકારની અશાંતિ ઉભી ન થાય એ માટે પોલીસ આ પર્વમાં સ્ટેન્ડ ટુ રહેશે અને રાઉન્ડ ધ ક્લોક નાગરિકોની સુરક્ષા માટે સજ્જ છે. બદઇરાદા ધરાવતા વ્યક્તિઓની કોઇ પણ અસામાજિક પ્રવૃતિને ચલાવી નહી લેવાય અને કાયદેસરની કાર્યવાહી કરાશે.
૦૦૦
