
જીગ્નેશ બારીયા :- દાહોદ
ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ચૂંટણી અદાવતે મારામારી:બન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ..
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ચુંટણીનો પ્રચાર કરવા બાબતે પાંચ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી એકને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અગાઉ આ મામલે સામાપક્ષેથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે બંન્ને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા.૦૯મી ડિસેમ્બરના રોજ મોટાનટવા ગામે કેશર ફળિયામાં રહેતાં કમાભાઈ રૂપાભાઈ ચરપોટ અને તેમની સાથે કેટલાંક વ્યક્તિઓએ પોતાની ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ મોટાનટવા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન તેમના ગામમાં રહેતાં રાકેશભાઈ કાનજીભાઈ કટારા, શીશુભાઈ રાવજીભાઈ કટારા, અરવિંદભાઈ જગાભાઈ બારીયા, વિનેશભાઈ વિરસીંગભાઈ કલારા અને જસવંતભાઈ માનાભાઈ ચરપોટનાઓએ કમાભાઈની ગાડી રસ્તામાં ઉભી રાખી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા સભ્યના વિસ્તારમાં ચુંટણી પ્રચાર કરવા નીકળેલ છો, અમારી ગાડીઓ રોડ ઉપરથી નહીં હટાવીએ, તમારે જવું હોય તો બીજા રસ્તેથી જાઓ, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઈશ્વરભાઈ સામજીભાઈ ચરપોટને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી, ચુંટણીનો પ્રચાર કરવા આવશો તો તમને જીવતા છોડીશું નહી, ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે કમાભાઈ રૂપાભાઈ ચરપોટે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષેથી પણ બે દિવસ અગાઉ ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ ચુંટણી પ્રચાર કરવા મામલે માર મારવા તેમજ ગાડીઓની તોડફોડ કરવા મામલે સુખસર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બંન્ને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————-