રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...
દાહોદ:રેલવે કારખાના નજીક ટ્રેનથી છુટ્ટી પડેલી ગુડ્સ ટ્રેનની બોગી રિવર્સમાં આવી ઓટો રિક્ષાને 40 ફૂટ ઢસડી ગઈ:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
રેલવે કારખાના નજીક ક્રોસિંગ ઉપર બનેલી ઘટના
બહાર મોકલવાની હોવાથી એન્જીનથી જોડી ત્રણ બોગી વર્કશોપમાંથી રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ લઈ જવાતી હતી
રીક્ષા ચાલકને સામાન્ય ઇજા: સદનસીબે કોઈ જાનહાનિ નહીં
આરપીએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી
ઘટના બાદ વર્કશોપના જવાબદાર અધિકારીઓનો ગોળ ગોળ જવાબો…
દાહોદ તા.10

દાહોદ શહેરમાં રેલવે વર્કશોપ સી સાઈટ નજીક 32 ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ પર રેલવે સ્ટેશન લઈ જવાતી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીમાંથી એક બોગી કાપલિંગમાંથી છુટ્ટી પડયા બાદ પાટા ક્રોસ કરતી રીક્ષાને અડફેટે લેતા ઓટો રીક્ષા આશરે 40 ફૂટ સુધી ધસડાઈ હતી. કારખાનામાંથી એન્જીનથી જોડીને ત્રણ બોગીને રિવર્સમાં લાવવા દરમિયાન આ ઘટના બની હતી.જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. રિક્ષાના ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી.ઘટના બાદ તાબડતોડ દોડી આવેલા આરપીએફ સ્ટાફે વધુ તપાસ આદરી હતી.
પ્ દાહોદ શહેરના રેલવે વર્કશોપમાં ઇલેક્ટ્રિક એન્જીન,મેમુ ટ્રેન અને ગુડ્સ તેમજ પેસેન્જર ટ્રેનના કોચના નવીનીકરણ ની સાથે રીપેરીંગ કામ માટે લાવવામાં આવે છે. આજરોજ કારખાનામાં બહારથી રીપેરીંગ માટે આવેલી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીનું કામ પૂર્ણ થતાં તેને બહાર મોકલવા માટે એન્જીન સાથે જોડીને આ ત્રણે બોગી ધીમી ગતિએ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ મોકલવામાં આવી રહી હતી.. તે સમયે સી સાઈડ નજીક બત્રીસ ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ ઉપર ગુડ્સ ટ્રેનની આવતી હોવાનું ધ્યાન ચુકી ગયેલો ચાલક પોતાની રિક્ષા ત્યાંથી કાઢી રહ્યો હતો. તે વખતે જ ટ્રેન સાથે જોડાયેલી છેલ્લી બોગી ઓચિંતી કપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી.ટ્રેક પર ઢાળ હોવાથી બોગીએ ઝડપ પકડી લેતા રીક્ષા તેની અડફેટમાં આવી ગઈ હતી. રિક્ષાને ઢસડી જઈ આશરે 40 ફૂટ દૂર જઈને બોગી રોકાઈ હતી. આ અકસ્માતમાં સદભાગ્યે રીક્ષા ચાલક સમયસૂચકતા વાપરી નીકળી જતા તેનો બચાવ થયો હતો. તેને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવની જાણ થતાં રેલવવા સુરક્ષા બળનો કાફલો તાબડતોડ દોડી આવ્યો હતો. ઘટના બનતા એન્જીન સાથે જોડાયેલી બંને બોગી ફરીથી વર્કશોપ માં લઇ જવાઈ હોવાનું જાણવા મળ્યુ છે.
કારખાના ઉચ્ચ અધિકારીઓએ ઘટના બાબતે ગોળ ગોળ જવાબો આપી ટાળવાનો પ્રયાસ
ગુડ્સ ટ્રેનની બોગી સાથે રીક્ષા સાથે સર્જાયેલા અકસ્માત બાબતે અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ એ ઘટના બની હોવાનું સ્વીકાર્યું હતું.પણ કપલિંગથી બોગી છુટ્ટી પડી જતા આ અકસ્માત સર્જાયો હોવાની વાત કહેવા કોઈ તૈયાર થયું ન હતું. ઘટના અંગે પીઆરઓ પાસેથી માહિતી લેવા જણાવવામાં આવ્યું હતું.
