
જીગ્નેશ બારીયા :- દાહોદ
ફતેપુરા તાલુકાના કુપડા ગામે પોલીસ ટુકડી પર હુમલો:લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડલાઇનનુ ઉલ્લંઘન થતું હોવાની જાણ થતાં પોલીસે કાર્યવાહી કરતા ટોળું વિફર્યુ
લગ્ન પ્રસંગમાં હાજર લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો:ગાડીના કાચ તોડી નાખ્યાં:પથ્થરમારામાં પોલીસ કર્મચારીઓને ઈજા
દાહોદ તા.૩૧
ફતેપુરા તાલુકાના કુપડા ગામે લગ્ન પ્રસંગમાં 100 થી બસો માણસોનું ટોળુ ભેગું થતાં કોરોના મહામારીમાં જાહેરનામાનો ભંગ જણાતા ફતેપુરા પોલીસની ટીમ આ લગ્ન પ્રસંગમાં જઈ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હતી. તે સમયે લગ્ન પ્રસંગમાં હાજર પંદર જેટલા ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવી પોલીસની ટીમ ઉપર જીવલેણ હુમલો કરી છુટ્ટા પથ્થરો મારી તેમજ સરકારી ગાડીઓના કાચ તોડી નુકસાન કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર સહિત ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પોલીસ પર ટોળાએ હુમલો કરતાં કેટલાંક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
કુપડા ગામે રહેતાં મણીલાલ દલાભાઈ ડામોરના પુત્ર જીજ્ઞેશભાઈ મણીલાલ ડામોરના ગત તા૨૯મી મેના રોજ લગ્ન હતાં. આ લગ્ન પ્રસંગમાં આશરે સૌ થી બસો માણસોને નિમંત્રણ આપતાં લોકો એકઠા થયાં હતાં હાલ જ્યારે કોરોના મહામારીના સમયે સરકાર દ્વારા તમામ સેવાઓ સહિત પ્રસંગો પર અંકુશ રાખવામાં આવ્યાં છે ત્યારે લગ્ન પ્રસંગોમાં પણ કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણ પણે પાલન કરવાનું રહેશે અને જુજ માણસોની ઉપસ્થિતીમાં લગ્ન પ્રસંગ સમ્પન્ન કરવાનું રહેશે જેવા જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યાં હતાં પરંતુ આ લગ્ન પ્રસંગો બસો માણસોના ટોળા દ્વારા શોસિયલ ડિસ્ટન્સનો ભંગ અને જાહેરનામાના ભંગ થતાં તેમજ ડીજેના ટાલે નાચતાં હોઈ આ અંગેની જાણ ફતેપુરા પોલીસને થઈ હતી. પોલીસ તાત્કાલિક લગ્ન પ્રસંગ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્યાં જઈ ડી.જે.બંધ કરાવતાં હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં હતાં તે સમયે મણીલાલ અને તેમના પુત્ર જીજ્ઞેશભાઈ અને તેમની સાથે બીજા પંદર જેટલા લોકો એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસની ટીમ ઉપર પથ્થર મારો કર્યાે હતો જેને પગલે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને શરીરે ઈજાઓ પણ પહોંચી હતી. આ બાદ ટોળાએ પોલીસની સરકારી ગાડીઓ ઉપર પણ પથ્થર મારો કરી ગાડીઓના કાચ વિગેરે તોડી નાંખી નુકસાન પહોંચાડતાં આ સંબંધે ફતેપુરા પોલીસે ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————–