
( પ્રતિનિધિ ) સુખસર,તા.૬
ફતેપુરા તાલુકાના હડમત ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુરૂવારના રોજ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને અધિકારીઓની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.જેમાં કોરોના સંબંધી તાલુકાની માહિતી મળી ન આવતા મંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો.
ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ કેસોનો વધારો થઈ રહ્યો છે.જેમાં લોકોને મોટા દવાખાનાઓમાં સમય દરમિયાન સારવાર મળી રહેતી ન હોવાથી મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.મુખ્યમંત્રી દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું છે.જે અંતર્ગત દરેક ગામોમાં પ્રાથમિક શાળાઓમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે
.ગુરૂવારના રોજ હડમત ગામે કોવીડ કેર સેન્ટરમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર સહિત અધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ઠ પરિવારો માટે પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ન હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.તેમજ તાલુકામાં કેટલા કોવીડ સેન્ટરો શરૂ કરાયા છે.કેટલા પોઝિટિવ છે?કેટલા બેડની સુવિધા છે?જે બાબતની માહિતી પૂછતા તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીએ માહિતી આપવામાં ગલ્લાતલ્લા કરતા મંત્રીએ ઉધડો લીધો હતો.અને જણાવ્યું કે,માત્ર ખાનાપૂર્તિ કામગીરી કરશો તો તાલુકો કઈ રીતે ચલાવશો લોકો કોરોનાથી મરી રહ્યા છે.તેમને બચાવવા માટેના આયોજનો કરો. તેમજ દવાઓનો જથ્થો તાત્કાલિક મોકલી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી. બોક્સ. કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે પલંગ, ગાદલા અને ભોજન માટેની વ્યવસ્થા કરવા માટે નાણા કોની પાસેથી લેવા તેવી પણ મંત્રીને રજૂઆત કરાઇ હતી.જેમાં પણ ડી.ડી.ઓ.ને જાણ કરતા શાળાના આચાર્ય,ગામના સરપંચ અને તલાટીએ વ્યવસ્થા કરવાની રહેશે તેવું જણાવ્યું હતું. ફોટો હડમત ગામે કોવિડ સેન્ટરની રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ મુલાકાત લીધી હતી જે તસવીરમાં નજરે પડે છે.