ફતેપુરા તાલુકામાં જીલેટીન અને ડિટોનેટર જેવા સ્ફોટક પદાર્થોનો ખુલ્લેઆમ ઉપયોગ:પરપ્રાંતીઓ દ્વારા બેરોકટોક ગુજરાતમાં વિસ્ફોટકો પહોંચાડતા હોવાની બૂમો.

Editor Dahod Live
3 Min Read

 બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા તાલુકામાં જીલેટીન અને ડિટોનેટર જેવા સ્ફોટક પદાર્થોનો ખુલ્લેઆમ ઉપયોગ.
  •  પરપ્રાંતીઓ દ્વારા બે રોકટોક ગુજરાતમાં વિસ્ફોટકો પહોંચાડવામાં આવે છે.

   ( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૨

    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જીલેટીન અને ડિટોનેટર કેપ જેવા વિસ્ફોટક પદાર્થોનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.ત્યારે પોલીસ દ્વારા એકાદ-બે ટ્રેક્ટર ઝડપી માનસિક સંતોષ ખાતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

     ફતેપુરા તાલુકામાં રાજસ્થાનમાંથી આવતા પરપ્રાંતીય પાર્સિંગના ટ્રેક્ટરો રાજસ્થાન બોર્ડર ઉપરથી બેરોકટોક ડ્રીલીંગ મશીન સાથે પ્રવેશી રહ્યા છે.દાહોદ જિલ્લાની બોર્ડર ઉપરથી છેક ગુજરાતમાં છેવાડાના વિસ્તારો સુધી ફરતા થતા આ ટ્રેક્ટરો દ્વારા કૂવામાંથી પથ્થરો તોડવા સહિત ડુંગરાળ પથ્થરો પણ તોડવાના ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.ખરેખર આ ટ્રેક્ટરો ઉપર ફીટ કરવામાં આવતાં કોમ્પ્રેસર મશીનો ફીટ કરતા પૂર્વે વાહન વ્યવહાર કચેરીમાં પાર્સિંગ કરાવવાના હોય છે.ત્યારબાદ બેરોકટોક ગુજરાતમાં ભલે પરમીટ ધરાવતા હોય કે ના હોય પણ આ ટ્રેકટરના માલીકો ધંધો શરૂ કરી દેતા હોય છે.

     દાહોદ જિલ્લામાં ફરતા આ ટ્રેક્ટરો ને વિસ્ફોટક સામગ્રી પણ બોર્ડરની નજીકના શહેરો તેમજ આસપાસના શહેરોના વેપારીઓ દ્વારા હોમ ડિલિવરી મારફતે પહોંચાડવામાં આવતા હોય છે.કિંમતમાં સસ્તા અને વિસ્ફોટક પદાર્થો ક્યારેક કોઈક મહામૂલી જિંદગીને મોતના ખપ્પરમાં પહોંચાડવા માટે સીમિત થઈ પડતાં હોય છે.દાહોદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં આગાઉ કેટલીય વાર કૂવામાંથી પથ્થરો તોડતા રાહદારીઓને ઇજાઓ પહોંચી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવેલ છે.પરંતુ નાણા કોથળીના જોરે આ ડ્રીલીંગ ટ્રેક્ટરો વાળા બધુંજ સમેટી લેતા હોવાથી મામલો પોલીસ મથક સુધી પહોંચતો નથી.જોકે આ ડ્રીલીંગ ટ્રેક્ટરો વાળા શહેરી વિસ્તારમાંજ રહેતા હોવા સહિતના ખુલ્લેઆમ ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા હોવાથી પોલીસની નજરથી દુર તો નથી પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું જોવા મળે છે!

      આ વિસ્ફોટકો પથ્થરો તોડવાના ઉપયોગમાં લેવાતા હોય સામાન્ય ચીજ વસ્તુની જેમ આ પદાર્થો સરળતાથી બજારોમાં ચોક્કસ વેપારીઓ પાસેથી પ્રાપ્ત થઈ જતા હોય છે.પંચમહાલ-દાહોદ તથા મહિસાગર જિલ્લામાં ડ્રીલીંગ કામગીરીમાં ઉપયોગમાં લેતા અને પરમીટ ધારકો દ્વારા પણ નીતિનિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.વિસ્ફોટકોની સલામતી અંગેનું જરા પણ ધ્યાન આપવામાં આવતું નથી.અને માત્ર પાંચનું પરમીટ હોય ત્યાં પચાસ નંગ બિન્દાસ્તપણે જાહેરમાં સાથે લઇ ફરતા હોય છે.

       ફતેપુરા તાલુકામાં ઉપરોક્ત જણાવેલ સ્ફોટક સામગ્રી સાથે અનેક ટ્રેક્ટરો બિન રોકટોક ફરી રહ્યા છે. જેથી આ સામગ્રી સાથે તેનો વપરાશ કરતાં ઇસમો પાસે લાયસન્સ છે કે કેમ?તેની તપાસ પણ આવશ્યક છે. આ સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કુવાઓમાં બ્લાસ્ટ કરવા વપરાય છે. પરંતુ જો તેનો ભાગ ફોડિયા તત્વો દુરુપયોગ કરે તો ભયંકર પરિણામ આવી શકે તેમ છે.જેથી લાગતા- વળગતા તંત્ર દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરી આડેધડ વપરાતા અને વેપલો થતાં વિસ્ફોટકોની તપાસ કરવામાં આવે તો આ વિસ્ફોટકો ક્યાંથી,કેવી રીતે અને કોના દ્વારા આવી રહ્યા છે ?તેનો પર્દાફાશ થાય તેમ છે.

Share This Article