
ડુંગરા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારે નાણાપંચની ગ્રાન્ટો માંથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સભ્યએ સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી.
જો તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના ડુંગરા ગ્રામ પંચાયતના સભ્ય કટારા ગમના ભાઈ જેતાભાઈએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાની ડુંગરા ગ્રામ પંચાયતના તલાટી સુરેશ તાવિયાડ તેમજ વહીવટદાર સુરેશ કટારા એ નાણાપંચની વિવિધ ગ્રાન્ટોમાંથી ગ્રામજનોની બહાલી લીધા વગર તેમની રીતે ભેગા મળીને ડુંગરા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં મોટા પાયે લાખો રૂપિયાની ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ બાબતે ઝીણવટ ભરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલા લઇ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ લોકો પર ગુનો દાખલ કરવામાં આવે અને તેઓએ વધુમાં જણાવ્યું છે કે તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ના પટાંગણમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે.
આમ ફતેપુરા તાલુકાની ડુંગરા ગ્રામ પંચાયતના સભ્યએ ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરી છે. અને જો તપાસ કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયત કચેરી પર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.