
રાજેશ વસાવે : દાહોદ
દાહોદ, તા. ૯ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે જિલ્લામાં ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે કેટલાંક આદેશ કર્યા છે. તદ્દનુસાર, ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યક્તિ જ પ્રવેશ મેળવી શકશે.
માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા ૧૦ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબક્કે ઉમેદવાર અને અન્ય ચાર તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવાર સાથે ગયેલા ચાર દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી બહાર નીકળી જાય ત્યાર બાદ બાકીના ચાર અને ત્યાર બાદ બાકીના બે દરખાસ્ત કરનારા પ્રવેશી શકશે. કોઇ પણ ઉમેદવાર કે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓએ કે સમર્થકો સાથે પાંચથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે નહી. તેમજ કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે જ પ્રવેશી શકાશે. આ સૂચના ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે. ઉક્ત કામે ઉપયોગમાં લીધેલા વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે. આ જાહેરનામું આગામી તા. ૧૦-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
૦૦૦