Friday, 22/11/2024
Dark Mode

દે.બારીયા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય… એક દિવસમાં પણ જુદા જુદા કેસોમાં કુલ 7 લોકોને સજા સહિત દંડ ફટકાર્યો

દે.બારીયા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય… એક દિવસમાં પણ જુદા જુદા કેસોમાં કુલ 7 લોકોને સજા સહિત દંડ ફટકાર્યો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૬

દે.બારીઆ કોર્ટ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેવા પામ્યો છે. નવા વર્ષના પહેલા મહીનામાં એક સાથે જુદા જુદા ત્રણ કેસોમાં કુલ ૦૭ આરોપીઓને સજા ફટકારી અસમાજીક તત્વોમાં ફફડાટ સાથે કોર્ટ સંકુલમાં પણ સ્તબ્ધતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ દેવગઢ બારીઆ કોર્ટ દ્વારા ત્રણ કેસોમાં એક સાથે ૦૭ આરોપીઓને દંડ સહિત સજા ફટકારવામાં આવી છે જેમાં પ્રથમ કેસમાં દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી મુકામે મારામારીના કેસમાં દેવગઢ બારીઆ કોર્ટમાં જજ એ.જે.વાસુનાએ વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી ગોવિંદભાઈ હિમ્મતભાઈ ધારવા, સર્જનભાઈ પ્રભાતભાઈ ધારવા, પ્રભાતભાઈ સોમાભાઈ ધારવા, રમેશભાઈ હિમ્મતભાઈ ધારવા, સર્જનભાઈ પ્રભાતભાઈ ધારવાએ ચંન્દ્રસિંહ રાયસીંગને કુહાડી તથા વાસી જેવા હથિયાર વડે માર મારતા ગંભીર ઈજા પહોંચાડી હતી જે સંદર્ભે તેઓની સામે ગુનો નોંધાયો હતો અને આ સંદર્ભે આજરોજ કોર્ટ દ્વારા આ આરોપીઓને ૨ વર્ષની સાદી કેદ તથા ૨૦૦૦ રૂપીયાના દંડની સજા ફટકારવામાં આવી હતી જ્યારે કાળીબેન પ્રભાતભાઈ તથા બીજલીબેન રમેશભાઈને શંકાનો લાભ આપી નિર્દાેષ છોડી મુકાયાં હતાં.

બીજા કેસમાં આરોપી છબીસિંહ રાયસિંહ, સુરજસિંહ રાયસિંહ, ચંદસિંહ રાયસિંહ, દિલીપભાઈ રાયસિંહ તથા મુકેશભાઈ રાયસિંહ દ્વારા ગોવિંદ હિમ્મત ધારવાને માર મારી ઈજા પહોંડ્યાં હોવાના કેસમાં આ આરોપીઓ વિરૂધ્ધ પણ પુરાવા પડતા હોય આરોપી ચંદ્રસિંહ રાયસિંહને જુદી જુદી કલમ હેઠળ કુલ બે વર્ષ, ૬ માસની સજા તથા બે હજાર રૂપીયાનો દંડ વસુલ કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દાેષ છોડી મુકાયાં હતાં.

જ્યારે ત્રીજા કેસમાં આરોપી ગુલાબસિંહ અમરસિંહ પટેલ (રહે.નાડાતોડ) જેઓએ પોતાની માલિકીની જીપ ગાડીમાં ભાવસીંગભાઈ ગલસીંગભાઈ તથા તેમના પત્નિ તથા તેમની બહેનને પેસેન્જર તરીકે ગાડીમાં બેસાડી વડોદરાથી પરત આવતાં હતાં ત્યારે આરોપી ગુલાબસિંહ અમરસીંગ પોતાના કબજાની જીપ પુરઝડપે અને તેમજ ગફલત ભરી રીતે હંકારી લાવી ગાડીને પલ્ટી ખવડાવી દેતા જેના કારણે અંદર બેઠેલ મુસાફરોને શરીરે ઈજાઓ થઈ હતી અને આ કેસમાં પણ કોર્ટમાં ચાલી જતાં દેવગઢ બારીઆ કોર્ટે આ આરોપીને આ ગુનામાં બે વર્ષની સાદી કેદન સજા તથા રૂપીયા ૨૩૦૦નો દંડ ફટકાર્યાે હતો.

આમ, દેવગઢ બારીઆ કોર્ટ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં જુદા જુદા કેસોમાં દશ ઉપરાંત કેસોમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે જેમાં ડી.વાય.એસ.પી. સહિત એસ.ટી.બસના કર્મચારી તેમજ અન્ય અસામાજીક તત્વો સામે પુરાવા પડતા તેઓને સજા કરવામાં આવેલ છે. આમ, આ ચુકાદાઓથી સ્પષ્ટ થાય છે કે, દેવગઢ બારીઆ તાલુકાના અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવતી ગુંડાગર્દી સાંખી લેવામાં આવશે નહીં. દેવગઢ બારીઆ કોર્ટ દ્વારા પ્રથમ વખત એક દિવસના અંદર જુદા જુદા કેસોમાં સજા ફટકારવામાં આવેલ છે જે પહેલા ક્યારેય બનેલ નથી.

————————-

error: Content is protected !!