દાહોદ લાઈવ ડેસ્ક….
વોન્ટેડ આરોપી ઇમરાન ગુડાલાની બેનામી સંપત્તિ ની તપાસ આરંભવામાં આવે તે જરૂરી,લાખોના ખર્ચે બની રહેલા મકાનનું કામ ફરાર છતાં ચાલુ, હિરેન પટેલ દ્વારા ઇમરાન વિરુદ્ધ પોલીસમાં અરજી પણ આપવામાં આવી હતી
ઝાલોદ તા.25
ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યાનું રહસ્ય દિન પ્રતિદિન ઘૂંટાઈ રહ્યું છે. પોલીસ પણ આ હત્યાના કારણો અને મુખ્ય માથાઓ સુધી પહોંચવા માટે હાલ એડી ચોંટીનું જોર લગાવી રહી છે. હાલમાં તો આ અંગે નગર પાલિકાની સત્તા જ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ છે. ત્યારે નગર પાલિકાના રાજકારણ ઉપરાંત પાલિકામાં થયેલા કામોનો ભ્રષ્ટાચાર પણ કારણભૂત હોય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. અને આ સત્તા અને ભ્રષ્ટાચારના મૂળમાં રહેલા માથા ઓ માંથી એક ઇમરાન ગુડાલા પણ વોન્ટેડ છે. ત્યાંરે તેની કરોડોની બેનામી સંપત્તિ અંગે પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
ઝાલોદ નગર પાલિકામાં કોઈ પણ ન્હાવા નીચવવા ના સંબધં ના હોવા છતાં, રાજકીય આગેવાનની મિત્રતાના આધારે નગર પાલિકાનો તમામ વહીવટ સંભાળી અને પાલિકામાં પોતાના મળતિયા સભ્યો અને કર્મચારીઓ ની મદદ થી પાલિકાની તિજોરીને કરોડો નો ચૂનો ચોપડનાર ઇમરાન ગુડાલાએ પાલિકા સભ્ય સાથે પાંચ વર્ષ સુધીની મુદ્દત માટે લાખોમાં ડીલ કરી હતી. અને પાંચ વર્ષ માં પાલિકા માં સભ્ય માત્ર નામ પૂરતો જ સભ્ય રહી અને તમામ વહીવટ ઇમરાન પોતે જ સંભાળે તેવી ડીલ કરી હતી. અને પાલિકા નો સર્વેસર્વા બની અને વહીવટ કરતો હતો.પોતાના રાજકીય મિત્રની પકડ વાળી પાલિકામાં ઇમરાન ગુડાલાએ કરવામાં આવેલા તમામ કામો માં ગેરરીતિઓ કરી અને ખોટા બિલો રજૂ કરી અન્ય સભ્યોની મદદથી પાલિકાની તિજોરી સાફ કરી દીધી હતી. તો પાલિકાના નાના મોટા તમામ કામો પોતાના મળતીયાઓ સાથે જ કરતો હોવા ને કારણે કોંગ્રેસના સભ્યોમાં પણ તે અપ્રિય બન્યો હતો. પરંતુ ઝાલોદ ના રાજકીય આગેવાન નો જમણો હાથ હોવાથી તેની સામે કોઈએ અવાજ ઉઠાવ્યો નહોતો.તો પોતાના મનસ્વી વર્તનને લઈને પાલિકા ના સભ્યોમાં અપ્રિય બનેલા ઇમરાનથી ત્રસ્ત બનેલા પાલિકા સભ્યોએ બીજી ટર્મમાં આથી જ મેંડેટ વિરુદ્ધ જઈને મતદાન કરી અને પાલિકાની સત્તાને પલટી દીધી હતી.જેમાં મૃતક હિરેન પટેલ નો ખુબ જ મોટી ભૂમિકા હતી.હાલ હિરેન પટેલ ની હત્યાને પગલે ઇમરાન ગુડાલા વોન્ટેડ છે. ત્યારે પોલીસે પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગેની પણ તપાસ કરી રહી છે.ત્યારે કોઈ પણ પ્રકારના અન્ય ધંધા સાથે સંકળાયેલ ના હોવા છતાં, ઝાલોદ ઉપરાંત આસ પાસના વિસ્તારોમા, કરોડોની બેનામી સંપત્તિ ધરાવતા ઇમરાનની સંપતિની પણ તપાસ કરી અને તેના મળતીયા મોટા માથાથી લઇ ને તેની સાથે ઘરોબો ધરાવતા લોકોની પણ તપાસ કરે તો હત્યાનું સાચું કારણ અને કોના ઇશારે આવું હિન કૃત્ય કરવામાં આવ્યું છે તે પણ બહાર આવી શકે તેમ છે.