Monday, 09/12/2024
Dark Mode

*દાહોદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને રક્તદાન કરીને ઉજવવામાં આવ્યો : સાંજ સુધીમાં જ ૩૫૭ યુનિટ બ્લડ ડોનેટ*

૦૦૦

રાજેશ વસાવે

દાહોદ, તા. ૧૭ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવવાની પરંપરા રહી છે ત્યારે આજે દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં રક્તદાન કાર્યક્રમ યોજીને પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનને ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત દાહોદ સહિત છ તાલુકાઓમાં યોજાયેલા રક્તદાન કાર્યક્રમોમાં સાંજ સુધીમાં જ ૩૫૭ યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને રક્તદાન દિવસ તરીકે ઉજવાયો:357 યુનિટ બ્લડ એકત્ર થયો...

આ રક્તદાન કાર્યક્રમોમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં દાહોદની ઝાયડસ હોસ્પીટલ અને રેલ્વે હોસ્પીટલ ખાતેના કાર્યક્રમોમાં વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. જયારે નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ ઝાયડસ હોસ્પીટલ ખાતે ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કરીને નગરજનોને રક્તદાન માટેનો સંદેશો પાઠવ્યો હતો.

જયારે દેવગઢ બારીયા ખાતે યોજાયેલા રક્તદાન કાર્યક્રમમાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઇ ખાબડ અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચાર્મીબેન સોની, ફતેપુરામાં અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર, ગરબાડામાં સાંસદશ્રી તેમજ શ્રી સુધીરભાઇ લાલપુરવાલા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત લીમખેડામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર અને ઝાલોદમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.  

રેલવે હોસ્પીટલ ખાતેનો રક્તદાન કાર્યક્રમ અહીંના શ્રી દેવેન્દ્ર હાડા અને શ્રી સંજય કપુરના સહયોગથી યોજાયો હતો. તેમજ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર શ્રી જગંદમ્બા પ્રસાદ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ વેળા ચીફ વર્કશોપ મેનેજર શ્રી વિનય કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને રક્તદાન દિવસ તરીકે ઉજવાયો:357 યુનિટ બ્લડ એકત્ર થયો...

પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને આયોજીત રક્તદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા. આ રક્તદાન કાર્યક્રમો દાહોદ અને ગોધરાની રેડક્રોસ સંસ્થા તેમજ ઝાયડસ હોસ્પીટલના સહયોગથી યોજવામાં આવ્યા હતા. તેમજ તમામ કાર્યક્રમોના સંકલનની કામગીરી જિલ્લા ક્ષય અને લેપ્રસી અધિકારી ડો. આર.ડી. પહાડીયાએ કરી હતી.  

૦૦૦

error: Content is protected !!