Saturday, 23/11/2024
Dark Mode

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સરહદી વિસ્તારોની 11 ચેકપોસ્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સરહદી વિસ્તારોની 11 ચેકપોસ્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

જીગ્નેશ બારીયા, @ દાહોદ 

દાહોદ, તા.ર૪
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના સાવચેતીના પગલાને ભાગ રૂપે આંતરરાજ્ય સરહદે સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. દાહોદ નજીકના સરહદી વિસ્તારોમાં આવેલી ૧૧ ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન જ ૧૦૧૩૮ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૫૧ દર્દીઓને સામાન્ય પ્રકારની શરદી, તાવના લક્ષણો જણાતા સ્થળ ઉપર જ દવા આપવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલા કુલ ૧૧ ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પરીક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જે તે વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામુહિક આરોગ્ય કેન્દ્રની ટીમો ઉક્ત કામ કરી રહી છે.આ ૧૧ ચેકપોસ્ટ ઉપર છેલ્લા બે દિવસ દરમિયાન થયેલી કામગીરીની વિગતો જોઇએ તો મધ્યપ્રદેશની સરહદે ખંગેલા ખાતે ૨૩૪૭, આગાવાડા ખાતે ૧૪૯૬, ટાંડા ખાતે ૬૧૧, મિનાક્યાર ખાતે ૧૦૧, ભાભારા ચોકડી ખાતે ૧૬૧૧ અને મંડોર ખાતે ૧૨૨ વ્યક્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ જ પ્રકારે રાજસ્થાનની સરહદે આવેલા ધાવડિયા ખાતે ૧૩૮૭, ચાકલિયા ખાતે ૧૧૭૩, પીપલારામાં ૪૮૧, ડુંગર ખાતે ૩૦૯ અને ઘુઘસ ચેકપોસ્ટ ખાતે ૫૦૦ મળી કુલ ૧૦૧૩૮ પ્રવાસીઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.ખંગેલા સ્થિત ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા વિકલાંગ આરોગ્ય કર્મચારી રાકેશભાઇ ભાભોર કહે છે, અમે અહીંથી પસાર થતાં તમામ વાહનોને રોકીને તેનું પરીક્ષણ કરીએ છીએ, તાવ, શરદીના જો કોઇ લક્ષણો જણાય તો તેને તુરંત દવા આપીએ છીએ. પોલીસ પણ તે વાહનોનું ચેકિંગ કરે છે. પ્રવાસીઓને કોરોનાથી બચવા માર્ગદર્શક ચોપાનિયા આપવામાં આવે છે. રાકેશભાઇ વિકલાંગ હોવા છતાં પોતાની ફરજ સારી રીતે બજાવી રહ્યા છે.દાહોદથી ઇન્દોર જતાં હાઇવે પર ખંગેલા ચેકપોસ્ટ ઉપર મધ્યપ્રદેશની સરહદે થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાં ટોલ પ્લાઝા ઉપર આવતા તમામ પ્રવાસીઓના થર્મલ સ્કેનિંગ કરીને જ આગળનો પ્રવાસ કરવા દેવામાં આવે છે. જેના શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ જણાય તેને તુરંત દવાઓ આપવામાં આવી રહી છે. તા. ૨૩ની સ્થિતિએ બે હજારથી પણ વધુ લોકોના થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યા છે. જેમાંથી એક પણ વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાયા નથી.દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધીને પોલીસ તંત્ર દ્વારા આ તમામ ચેકપોસ્ટ ઉપર કામગીરી કરવામાં આવી છે.

error: Content is protected !!